GSTના દરમાં થયેલ વધારાને લઈને કાપડ ઉદ્યોગમાંથી ઉઠેલો વિરોધનો સૂર દિલ્હી સુધી પહોચ્યો છે, ત્યારે સુરતના કાપડના વેપારીઓને અન્યાય ન થાય અને વેપારીઓની લાગણી કેન્દ્રના નાણામંત્રી સુધી પહોંચતી કરાઈ છે. કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શના જરદોષ તથા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કેન્દ્રના નાણાં મંત્રી નિર્મલા સીતારામનને લેખિત રજૂઆત કરી છે.
કાપડ વણાટ અને ગારમેન્ટ ઉપર 5 ટકાના બદલે 12% GST દર લાગુ કરવાની સરકારની જાહેરાતના પગલે કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ વિરોધનો સૂર ઉઠાવ્યો છે, ત્યારે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં GST વધારાના વિરોધમાં બેનરો લગાવી વેપારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. કાપડના વેપારીઓ સાથે અન્યાય નહીં થાય તેને લઈને દિલ્હી ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શના જરદોષ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે નાણાં મંત્રી નિર્મલા સીતારામનને લેખિત રજૂઆત કરી છે. આ તમામ મુદ્દાઓ સંદર્ભે રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈ સાથે પણ થોડાં સમય પહેલાં ચર્ચા કરવામાં આવી હતી. હાલ કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શના જરદોષ અને સાંસદ સી.આર.પાટીલે કાપડ ઉધોગ સાથે સંકળાયેલા વેપારી-ઉદ્યોગકારો સાથે કોઈ અન્યાય ન થાય તે માટે કેન્દ્રીય નાણાં મંત્રીને રજૂઆત કરી છે.