ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજથી સુરત શહેરમાં મતદાર યાદી સુધારણ ઝુંબેશ હાથ ધારવામાં આવી છે, ત્યારે સુરત શહેર તથા જિલ્લાના તમામ મતદાર મથકો પર બુથ લેવલ ઓફિસર હાજરીમાં નામ નોંધણી સહિતની તમામ કામગીરીઓ શરૂ કરવામાં આવી છે.
ચૂંટણીપંચ દ્વારા ગત તા. 12મી ઓગષ્ટથી મતદાર યાદી સુધારણા ઝુંબેશ શરૂ થઈ છે, ત્યારે આજે રવિવાર હોવાથી મતદારોને સરળતા રહે તે માટે ખાસ સુધારણા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત શહેર તથા જિલ્લાના તમામ બુથો પર મતદાર નવી નોંધણી કરાવી, નામ રદ્દ કરવું કે, કોઈ નામની સામે વાંધો હોય તો નામ કે, અન્ય વિગતો સુધારા માટે નિયમ નમૂના ફોર્મ ભરી જરૂરી આધાર પુરાવા સાથે હક્કદાવા રજૂ કરી શકશે.
આ કાર્યક્રમમાં ખાસ 18 વર્ષ પૂર્ણ કરનાર યુવા મતદારો માટે સુવર્ણ તક છે. જેમાં 18 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય તેવા યુવક-યુવતીઓ આવનારી ચૂંટણીમાં પોતાના મતનો અધિકાર મેળવી શકે તે માટે પોતાનું નામ મતદાર યાદીમાં નોંધણી કરાવી રહ્યા છે.