/connect-gujarat/media/post_banners/5483bf1a42bab97cf1d754380864db4629dd80fa58a85fe0a08e5fc0fa7eae71.jpg)
કમુરતા પુરા થતાં જ માતા-પિતા પોતાના સંતાનોને પરણાવવા ઉત્સાહિત થતાં હોય છે, ત્યારે સુરતના લાડવી ગામે એક અનોખા લગ્ન યોજાયા હતા. વાછરડી અને વાછરડાના લગ્ન કરાવીને ગૌશાળાએ મકારસંક્રાંતિના પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી.
ઢોલ-નગારાના તાલ સાથે વરઘોડો સુરતના લાડવી ગામે આવી પહોંચ્યો છે. વરરાજા અને જાનૈયાઓને આવકારવા માટે કન્યા પક્ષના લોકો પણ આવી રહ્યા છે, ત્યારે તમને જાણીને આશ્ચર્ય થયું હશે કે, આ વળી કોના લગ્ન યોજાય રહ્યા છે. મકરસંક્રાંતિના દિવસે લાડવી ગામની ગૌશાળામાં વાછરડી અને વાછરડાના લગ્ન યોજવામાં આવ્યા હતા. ગૌશાળાના સંચાલક અને તેમના મિત્ર વચ્ચે એક વર્ષ પહેલાં જ વાત થઈ હતી કે, તેમના ઘરે વાછરડાનો જન્મ થયો અને તેના ગૌશાળાની વાછરડી સાથે લગ્ન કરાવવામાં આવશે. નક્કી થયા મુજબ વાછરડાના પાલક જયંતિ માલાની જાન લઈને આવી પહોચ્યા હતા. વાછરડાને વરરાજાની જેમ શણગારીને જાન વાજતે ગાજતે આવી પહોંચી હતી.
લાડવી ગામે વાછરડાના લગ્નમાં અનેક લોકોએ હાજરી આપી હતી. વાછરડીનું નામ ચંદ્રમોલી અને વાછરડાનું નામ શંખેશ્વર રાખવામાં આવ્યું છે. વાછરડીને પણ દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. જે રીતે કન્યાની વિદાય થાય તે રીતે જ સમગ્ર વિધિ વિધાનથી બન્નેના લગ્ન કરાવવામાં આવ્યા હતા. 3 ભૂદેવો વૈદિક મંત્રોચ્ચારથી લગ્નની વિધિ કરાવી રહ્યા હતા. સન્યાસી જીવન જીવતા પીપલાદગીરી મહારાજે પોતાની વાછરડીનું કન્યાદાન કરી ધન્યતા અનુભવી હતી.