વીર નર્મદ યુનિવર્સિટીની પરીક્ષામાં AIથી ચોરીનો મામલો
કોમ્પ્યુટર સાયન્સનું પેપર આપતા વિદ્યાર્થીની ઝડપાયા
પરીક્ષામાં કોડિંગ માટે AIનો ઉપયોગ કરતી હતી વિદ્યાર્થીની
ચેટ GPT જેમિનીએ આપેલા જવાબો લખતી હતી વિદ્યાર્થીની
પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા યુનિવર્સિટીને ગાઇડલાઇન
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સની પરીક્ષામાં કોડિંગ માટે AIનો ઉપયોગ કરતાં એક વિદ્યાર્થિની ઝડપાય હતી. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થવા માટે AI ટૂલ્સ અને હાઈટેક ગેજેટ્સનો ઉપયોગ કરતા પકડાયા છે. કોમ્પ્યુટર સાયન્સની પરીક્ષામાં વિદ્યાર્થિનીએ કોડિંગ માટે AIનો ઉપયોગ કર્યો હતો. જોકે, તે પકડાય ગઈ હતી.
કોમ્પ્યુટર સાયન્સ અને આઇટી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ ચેટ GPT, જેમીની જેવા AI પ્લેટફોર્મ્સથી લાઇવ જવાબ મેળવીને લખી રહ્યા હતા. વિદ્યાર્થીઓ મોબાઇલ, સ્માર્ટવોચ અને એરબર્ડને પરીક્ષા હોલમાં છુપાવીને લઈ જઈ રહ્યા છે. જે પછી એઆઇ ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. આ રીતે મળેલા જવાબો તેમને પાસ થવામાં મદદ કરે છે, પરંતુ પરીક્ષા પ્રામાણિકતા અને શૈક્ષણિક ગુણવત્તા પર ગંભીર અસર પાડી રહ્યા છે. તો બીજી તરફ, પરીક્ષામાં આવી ગેરરીતિ અટકાવવા માટે યુનિવર્સિટીને એક ગાઇડલાઇન આપી છે.
આ ઉપરાંત પેપર ચેકિંગ કરનારા પ્રોફેસરોને પણ સૂચના અપાઈ છે કે, જ્યારે જવાબ ચેક કરો ત્યારે તેને AIના જવાબો સાથે મેચ કરીને પણ ચેક કરવું. જો કોપી થયેલું જણાઈ આવે તો માર્ક્સ કાપી લેવા. આમ, આવી ગેરરીતિ મળતા જ પરીક્ષા વિભાગે તાત્કાલિક તપાસ શરૂ કરી છે, અને કોલેજોને સૂચના આપી છે કે AI ડિટેક્શન, મોનીટરીંગ અને તમામ ગેજેટનું ચેકિંગ કડક રીતે કરવામાં આવે. પરીક્ષા વિભાગ જણાવે છે કે નવી પોલિસી તૈયાર થઈ રહી છે. જેમાં AI ટૂલ્સના ઉપયોગથી મેળવેલા જવાબો કાયદેસર ગણાશે નહીં. ટેક્નોલોજી શિક્ષણમાં ઉપયોગી છે, પરંતુ જ્યારે તે પરીક્ષાની પ્રામાણિકતાને જોખમમાં મુકે છે, ત્યારે હવે સાવચેતી રાખવી ફરજિયાત બન્યું છે.