આગામી દિવસોમાં આવી રહેલા રક્ષાબંધનના તહેવારના પગલે સુરતના રાખડી બજારમાં અવનવી ડિઝાઇન અને થિમબેઝ રાખડીઓ લોકોમાં ભારે આકર્ષણ જમાવી રહી છે.
ભારતીય સંસ્કૃતિ અને હિન્દૂ ધર્મમાં અલગ અલગ તહેવારોનું ભારે મહાત્મ્ય હોય છે. જેમાંનો એક રક્ષાબંધનનો તહેવાર છે. ભાઈ અને બહેન વચ્ચે રહેલા અતૂટ પ્રેમ અને લાગણીના સબંધો સમાન રક્ષાબંધનના તહેવારને સુરતીઓ ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. ત્યારે આગામી દિવસોમા આવી રહેલા રક્ષાબંધનના પર્વને લઈ સુરતનું રાખડી બજાર ધમધમતું થયું છે.
રક્ષાબંધનના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, જેને લઈ બજારમાં પણ ખરીદી જોવા મળી રહી છે. જો કે આ વખતે રાખડી બજારમાં નવો ટ્રેન્ડ જોવા મળ્યો છે. જેમાં માસ્ક, હેન્ડ સેનીટાઇઝર, વેકસીન સહિત અલગ અલગ થીમ બેઝ રાખડીઓની ડિમાન્ડ વધુ જોવા મળી રહી છે. જેમાં સૌથી વધુ માસ્ક, હેન્ડ સેનીટાઇઝર, વેકસીન અને ક્યુઆર કોડવાળી રાખડીની ધૂમ ખરીદી નીકળી છે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી વેપારીઓએ લોકોમાં અવેરનેસ લાવવા આ પ્રકારની રાખડીઓ બજારમાં વેચાણ અર્થે મૂકી છે.
ક્યુઆર કોડવાળી રાખડીને મોબાઈલમાં સ્કેન કરવાની વેકસીન માટેનો સંદેશો આપવામાં આવે છે. આ સાથે જ નાના ભૂલકાઓ માટે ચિપ્સ, ચોકલેટ, છોટા ભીમ અને કાર્ટૂન થીમ બેઝવાળી રાખડીઓ પણ બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. રક્ષાબંધનના તહેવારને જ્યારે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે બજારમાં ખરીદી પણ શરૂ થઈ ચૂકી છે. જો કે ગત વર્ષની સરખામણીએ ચાલું વર્ષે રાખડીના ભાવમાં ચોક્કસથી વધારો થયો છે.
સુરતના ઘોડ દોડ રોડ વિસ્તારમાં આવેલ રાખડી બજારમાં રૂપિયા 10થી માંડી 1000 હજાર રૂપિયા સુધીની રાખડીનું વેચાણ થઈ રહ્યું છે.કોરોના થીમ સિવાય અહીં અમેરિકન ડાયમંડ, સિલ્વર ડાયમંડ, રજવાડી રાખડી, ચંદન રાખડી સહિત અલગ અલગ પ્રકાર ની રાખડીઓ પોતાના વ્હાલસોયા વીરા માટે બહેનો ખરીદી કરી રહી છે. ઉપરાંત ફુંમતા, કલકત્તી, કુંદન જેવી અનેક પ્રકારની રાખડીઓની પણ ધૂમ ખરીદી જોવા મળી રહી છે. આ વર્ષે ભલે ભાવ વધારો રાખડીના ભાવમાં થયો હોય પરંતુ બહેનો દ્વારા પોતાના વિરાની કલાઈ પર ખાસ પ્રકારની રાખડી બાંધવા ખરીદી કરવામાં આવી રહી છે.