-
દિવ્યાંગ રાઇફલ શુટરની સફળતા
-
મોહમ્મ્દ વાનિયાને છે 100 ટકા શ્રવણશક્તિની દિવ્યાંગતા
-
રાઇફલ શુટીંગમાં મેળવી સફળતા
-
11 ગોલ્ડ, 8 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ જીત્યા
-
વિશ્વ સ્તર પર ભારત દેશનું વધાર્યું ગૌરવ
સુરતના બેગમપુરા વિસ્તારના મોહમ્મદ મુર્તુઝા વાનિયાએ 100 ટકા શ્રવણશક્તિની દિવ્યાંગતા હોવા છતાં પોતાના હિંમતભર્યા પ્રયત્નોથી રાઈફલ શુટીંગમાં ઈન્ટરનેશનલ, નેશનલ અને સ્ટેટ લેવલ પર ભારતનું ગૌરવ વધારી રહ્યા છે.
સુરતના બેગમપુરા વિસ્તારમાં રહેતા માતા-પિતાની પ્રેરણા, પોતાની અથાગ મહેનતથી મોહમ્મદ વાનિયાએ અત્યાર સુધીમાં 11 ગોલ્ડ, 8 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ગત ઓગસ્ટ-2024માં જર્મનીના હેનોવર શહેરમાં યોજાયેલી બીજી વર્લ્ડ ડેફ શુટીંગ ચેમ્પિયનશીપમાં 100 મીટર એર રાઇફલ મિક્સ ટીમ ઇવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેમાં એક સિલ્વર તથા ઇન્ક્યુવિઝલ ઈવેન્ટમાં એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.મોહમ્મદની સફળતાને બિરદાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પત્ર લખી શુભેચ્છા પાઠવી હતી.
દિવ્યાંગ ખેલાડી મોહમ્મદના પિતા મુર્તુઝા વાનિયાએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, બાળપણથી શ્રવણશક્તિની સમસ્યાને કારણે અમને મોહમ્મદનું ભાવિ અત્યંત પડકારજનક ભાસતું હતું. તેથી અમે નક્કી કર્યું કે, હિંમતથી પડકારોનો સામનો કરતા શીખવીશું અને સ્વનિર્ભર બનાવવા બાળપણથી જ તૈયાર કરીશું.
માતા રઝિયાબહેને મોહમ્મ્દની દિવ્યાંગતાને સ્વીકારી દીકરાના મનોબળને મજબૂત કરીને તેને આગળ વધવા માટે પ્રેરણા આપી હતી,તેમજ પુત્રની સંભાળ માટે શિક્ષિકાની નોકરી પણ છોડી દીધી. તેનો યોગ્ય ઉછેર થાય એને પ્રાથમિકતા આપી મારી તમામ શક્તિ એની પ્રગતિ માટે સમર્પિત કરી દીધી હતી.આજે જ્યારે તેઓ મોહમ્મદને ભારતનું સન્માનજનક જેકેટ પહેરીને દેશ માટે રમતા જોવે છે,ત્યારે તેઓના ગૌરવની કોઈ હદ રહેતી નથી.આજે મોહમ્મદ પોતાની દિવ્યાંગતાને ઓળંગીને રમતગમતમાં સતત આગળ વધી રહ્યો છે.