ખટોદરામાં આરોગ્ય વિભાગ અને SOG પોલીસના દરોડા
સુરભી ડેરીમાં 955 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો મળ્યો
ડિલાઇટ બટર, દૂધ, તેલ, એસિડ સહિતનો મુદ્દામાલ જપ્ત
પોલીસ દ્વારા ડેરી સંચાલક કૌશિક પટેલની ધરપકડ કરાય
શંકાસ્પદ પનીરના નમૂના પૃથ્થકરણ અર્થે લેબમાં મોકલાયા
સુરત શહેરમાં ફરી એકવાર ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનો મોટો કિસ્સો સામે આવ્યો છે. ખટોદરા અને ઓલપાડ વિસ્તારની સુરભી ડેરીમાંથી વહીવટી તંત્રએ શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં સોમકામજીની વાડી નજીક INS હોસ્પિટલ પાછળ સોરઠિયા કમ્પાઉન્ડમાં આવેલી સુરભી ડેરી પર પાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ અને SOG પોલીસે અચાનક દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ડેરીમાંથી મોટી માત્રામાં શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો. સુરભી ડેરીમાંથી 754 કિલો શંકાસ્પદ પનીરના જથ્થા સહિત સહિત અંદાજિત રૂ. 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે, જ પોલીસે ઓલપાડ વિસ્તાર સ્થિત ડેરીના અન્ય યુનિટમાં તપાસ હાથ ધરી હતી, જ્યાં પણ શંકાસ્પદ પનીરનો જથ્થો આવ્યો હતો.
સમગ્ર મામલે પોલીસે સુરભિ ડેરીના સંચાલક કૌશિક પટેલની ધરપકડ કરી છે. આ સાથે જ શંકાસ્પદ પનીરના જથ્થામાંથી નમૂના મેળવી પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, અને રિપોર્ટ આવ્યા બાદ વધુ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, નકલી પનીરથી ચામડી રોગ, પાચન તંત્રની બીમારી તેમજ આગળ જતા કેન્સર જેવી ગંભીર બીમારી થાય છે, ત્યારે સુરતમાં આરોગ્ય વિભાગના દરોડાથી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં અન્ય તત્વોમાં પણ ફફડાટ ફેલાયો છે.