મહિલાના અંતિમ સંસ્કારમાં અજ્ઞાનતાનો કિસ્સો
પરિવારની અજ્ઞાનતાને કારણે અંતિમવિધિ અટવાઇ
સ્મશાન ભૂમિમાં નનામી સ્વીકાવામાં ન આવી
પરિવાર મૃતદેહ લઈને સિવિલ હોસ્પિટલ પરત ફર્યો
પ્રમાણપત્ર મળ્યા બાદ થયા અંતિમ સંસ્કાર
સુરતના વાલક નગર આશાપુરી ખાતે રહેતા અને કડિયાકામ કરતા રામદેવ કુમાર યાદવના પત્ની જગમનીયા દેવી ઉ.વ.53નું શુક્રવારે રાત્રે 12 વાગ્યાના અરસામાં અવસાન થયું હતું. શનિવારે સવારે 11 વાગ્યે રામદેવ કુમાર પત્નીનો મૃતદેહ લઈને ઉમરા સ્મશાનગૃહે પહોંચ્યા હતા. જોકે, બપોરે 1 વાગ્યે તેમને જાણ કરવામાં આવી કે સારવારના પેપર્સ પર સિવિલ હોસ્પિટલના જરૂરી સહી-સિક્કા નથી, જેના વિના અંતિમ સંસ્કારની વિધિ થઈ શકે નહીં.
પરિવારને ખ્યાલ નહોતો કે ઘરે મૃત્યુ થયું હોય અને સારવાર હોસ્પિટલમાં ચાલતી હોય ત્યારે પણ હોસ્પિટલમાંથી સહી-સિક્કાવાળા કાગળ કરાવવા અનિવાર્ય છે. અંતે, બપોરે 4 વાગ્યે રામદેવ કુમાર પત્નીનો મૃતદેહ લઈ ફરી નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.જેથી પ્રક્રિયા પૂર્ણ કરી શકાય.
મૃતકના પતિ રામદેવ કુમારે જણાવ્યું હતું કે, તેઓની પત્નીને હાથ-પગમાં સોજા આવતા 10 દિવસ પહેલા સિવિલમાં દાખલ કરી હતી. ગયા શનિવારે રજા આપી હતી, પણ ફરી તબિયત બગડતા ઘરે જ મૃત્યુ થયું હતું.અમને એમ કે હોસ્પિટલના જૂના કાગળ ચાલશે, એટલે અમે સીધા સ્મશાન ગયા હતા. પણ ત્યાં ડોક્ટરે સહી-સિક્કા માંગતા અમે ફરી હોસ્પિટલ આવ્યા હતા.અને દસ્તાવેજી કાર્યવાહી પૂર્ણ થયા બાદ તેઓની પત્નીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.