સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામે નવરાત્રી પર્વ દરમિયાન પ્રાચીન સંસ્કૃતિ અને લોકકળાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામે છેલ્લા 100 વર્ષ કરતાં પણ જૂના ‘અંબિકા ગરબી મંડળ’ના યુવાનો દ્વારા નવરાત્રી દરમિયાન રામજી મંદિરના ચોકમાં ભવાઇ ભજવવામાં આવે છે. આજથી સો વર્ષ પહેલાં જ્યારે મનોરંજન માટે ટીવી જેવા સાધનો નહોતાં, ત્યારથી ચાલી આવતી આ પરંપરાને ગામના યુવાનોએ આજે પણ અકબંધ રાખી છે.
નવરાત્રીના 15 દિવસ પહેલાંથી જ આ યુવાનો નાટકની તીવ્ર પ્રેક્ટિસ શરૂ કરી દે છે. નવરાત્રી દરમિયાન મંડળના આશરે 100 જેટલા યુવાનો ભક્ત પ્રહલાદ, ભેંસાસુર, શેઠ જગડુશા, ચંડમુંડ ચામુંડા, હરિચંદ્ર તારામતી અને સોનબાઈની ચુંદડી જેવા વિવિધ ધાર્મિક તથા સામાજિક વેશ ભજવે છે. ભવાઈ દ્વારા માતાજીની આરાધના સાથે તેઓ લોકોને મનોરંજન અને ધાર્મિક માર્ગદર્શન પણ પૂરું પાડે છે.
આજના શહેરી ગરબાના યુગમાં ગામડાની આ પ્રાચીન સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે સમસ્ત ગામલોકોના ફાળા અને મંડળના પ્રમુખની મહેનતથી આ ભવ્ય આયોજન સફળતાપૂર્વક સંપન્ન થાય છે.
