એક વર્ષ અગાઉ અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. 

અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ તરફથી પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. 160થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી. આ ભયાનક અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. 

જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું હતું. અકસ્માત સર્જનાર જગુઆર ચાલક પણ ઘાયલ થતા સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી, જે અત્યારે પણ જેલમાં છે, જો કે, આજે તેને સાત દિવસના જામીન મળ્યા છે.

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલની માતા બીમાર અને પિતાને કેન્સર હોવાથી કોર્ટે 7 દિવસના જામીન મંજૂર કર્યા છે. જામીનને લઈ હાઈકોર્ટે અરજી કરાઈ હતી ત્યારે કોર્ટે સાત દિવસના જામીન મંજૂર કર્યા છે.