ગુજરાત રાજ્યમાં ચોમાસાનો મિજાજ ફરી એકવાર બરાબરનો આક્રમક બન્યો છે. મેઘરાજાએ રાજ્યભરમાં તોફાની બેટિંગ શરૂ કરી છે, જેના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગના લેટેસ્ટ Nowcast (તાત્કાલિક આગાહી) પ્રમાણે, 14 સપ્ટેમ્બરે સાંજે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીના 3 કલાકના સમયગાળા માટે રાજ્યના 12 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, બોટાદ, અમરેલી અને ભાવનગરનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં મેઘરાજા ભુક્કા કાઢી નાખે તેવી સંભાવના છે. આ સિવાય, અમદાવાદ સહિત રાજ્યના અન્ય 21 જિલ્લાઓમાં પણ ભારે વરસાદ ખાબકવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે.

હવામાન વિભાગની વધુ આગાહી અનુસાર, 15 સપ્ટેમ્બરના રોજ પણ વરસાદનું જોર યથાવત રહેશે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓ જેમાં કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢનો સમાવેશ થાય છે, ત્યાં ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી આપી યલો એલર્ટ જાહેર કરાયું છે.વરસાદના સત્તાવાર આંકડાઓ પર નજર કરીએ તો, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ના રિપોર્ટ મુજબ, સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીના માત્ર 12 કલાકમાં રાજ્યના કુલ 250 તાલુકાઓમાં હળવાથી અતિભારે વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં 150 મિમી (આશરે 6 ઇંચ) ખાબક્યો છે. આ ઉપરાંત, આણંદના બોરસદમાં 140 મિમી (5.51 ઇંચ), વડોદરાના કરજણમાં 106 મિમી (4.17 ઇંચ), મહેસાણાના કડીમાં 106 મિમી (4.17 ઇંચ) અને અમદાવાદના ધોળકામાં 105 મિમી (4.13 ઇંચ) જેટલો સાંબેલાધાર વરસાદ વરસ્યો છે.

અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ જોરદાર પધરામણી થઈ છે. દસક્રોઈમાં 89 મિમી (3.5 ઇંચ), અમદાવાદ શહેરમાં 86 મિમી (3.39 ઇંચ) અને સાણંદમાં 75 મિમી (2.95 ઇંચ) વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં રાજકોટના કોટડા સાંગાણીમાં 95 મિમી (3.74 ઇંચ), જામકંડોરણામાં 90 મિમી (3.54 ઇંચ), ગોંડલમાં 79 મિમી (3.11 ઇંચ), તાલાલામાં 85 મિમી (3.35 ઇંચ), ગઢડામાં 81 મિમી (3.19 ઇંચ) અને બોટાદ શહેરમાં 78 મિમી (3.07 ઇંચ) વરસાદ રહ્યો છે.

મધ્ય અને દક્ષિણ ગુજરાત પણ પાછળ રહ્યું નથી. ભરૂચમાં 97 મિમી (3.82 ઇંચ), નડિયાદમાં 96 મિમી (3.78 ઇંચ), ગોધરામાં 86 મિમી (3.39 ઇંચ), ઉમરાળા તથા વિજાપુરમાં 79 મિમી (3.11 ઇંચ), તારાપુરમાં 78 મિમી (3.07 ઇંચ) અને હાંસોટમાં 76 મિમી (2.99 ઇંચ) વરસાદ પડ્યો છે.