ઝિમ્બાબ્વે સામેની T20 સિરીઝમાં 3-0 થી શાનદાર ક્લીન સ્વીપ કર્યા બાદ હવે ટીમ ઈન્ડિયાનું આગામી મિશન શ્રીલંકા પ્રવાસ છે. 15 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા આ પ્રવાસમાં ભારત અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ 2 મેચની ટેસ્ટ સિરીઝ રમાવાની છે. 5 મુખ્ય ખેલાડીઓ ઈજાગ્રસ્ત હોવાના કારણે 28 જુલાઈએ જાહેર થનારી ભારતીય ટીમમાં ઘણા નવા અને યુવા ચહેરાઓને તક મળી શકે છે. ચાલો જાણીએ આ સિરીઝનો સંપૂર્ણ કાર્યક્રમ અને શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની સંભવિત 15 સભ્યોની સ્ક્વોડ.
ભારત અને શ્રીલંકા વચ્ચે આ પ્રવાસની પહેલી ટેસ્ટ મેચ 15 ઓગસ્ટના રોજ ગાલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ત્યારબાદ, બીજી અને અંતિમ ટેસ્ટ મેચ 23 ઓગસ્ટના રોજ કોલંબોના સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ (SSC) સ્ટેડિયમ ખાતે રમાવાની છે. આ શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ હોવાથી બંને દેશો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે.
મીડિયા અહેવાલો અનુસાર, BCCI દ્વારા આગામી 28 જુલાઈ, મંગળવારના રોજ શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આ બે મેચની ટેસ્ટ શ્રેણીમાં ઘણા યુવા ખેલાડીઓને રમવાની તક મળી શકે છે, કારણ કે ભારતના 5 મુખ્ય ખેલાડીઓ ફિટનેસના અભાવે આ પ્રવાસ માટે ઉપલબ્ધ નથી. આ ઈજાગ્રસ્ત ખેલાડીઓમાં વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, સાઈ સુદર્શન, હર્ષિત રાણા અને નીતિશ કુમાર રેડ્ડીનો સમાવેશ થાય છે. આ સ્ટાર ખેલાડીઓની ગેરહાજરી નવા ખેલાડીઓ માટે ટીમ ઈન્ડિયાના દરવાજા ખોલી શકે છે.
શ્રીલંકા પ્રવાસ માટે ભારતની સંભવિત 15 સભ્યોની ટીમ:
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિકલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), કેએલ રાહુલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, પ્રસિદ્ધ ક્રિષ્ના, માનવ સુથાર, ગુરનુર બ્રાર, ઋતુરાજ ગાયકવાડ અને સારાંશ જૈન.
