ગુરુવાર, 23 જુલાઈએ શ્રાવણ મહિનાના સુદ પક્ષની તીજ તિથિ છે. જેને હરિયાળી તીજ કહેવામાં આવે છે. આ દિવસે દેવી પાર્વતીની વિશેષ પૂજા કરવાની પરંપરા છે. આ તિથિ પરણિત મહિલાઓ માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. મહિલાઓ પતિના સૌભાગ્ય અને સ્વસ્થ જીવનની કામનાથી વ્રત કરે છે. હરિયાળી તીજના દિવસે મહિલાઓ સાથે જ તેમના પતિએ પણ શિવ-પાર્વતીની પૂજા કરવી જોઇએ.
હરિયાળી તીજના દિવસે પતિ-પત્ની બંનેએ સવારે જલ્દી જાગીને સ્નાન કર્યા બાદ ઘરના મંદિરમાં પૂજા કરવાનો સંકલ્પ લેવો. સૌથી પહેલાં ગણેશ પૂજન કરવું. ગણેશજીને સ્નાન કરાવો. વસ્ત્ર અર્પણ કરો. ગંધ, ફૂલ, ચોખાથી પૂજા કરો. ત્યાર બાદ શિવ-પાર્વતીની પૂજા કરો.
શિવ-પાર્વતીની મૂર્તિ સ્થાપિત કરો. જો શિવલિંગ હોય તો સાથે દેવીની પ્રતિમા પણ રાખો. તેમને લાલ કપડા ઉપર રાખો. ભગવાનનો અભિષેક જળ અને પંચામૃત દ્વારા કરો. વસ્ત અર્પણ કરો. બીલીપત્ર , ધતૂરો અને આંકડાના ફૂલ ચઢાવો.
ફૂલની માળા પહેરાવો. તિલક કરો. ૐ સામ્બ શિવાય નમઃ નો જાપ કરતાં ભગવાન શિવને અષ્ટગંધનું તિલક લગાવો. ૐ ગૌર્ય નમઃનો જાપ કરતાં માતા પાર્વતીને કંકુનું તિલક લગાવો. ધૂપ અને દીપ પ્રગટાવો. ભોગ ધરાવો. આરતી કરો. પૂજામાં ૐ ઉમા મહેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરો.