ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઇકોર્ટે મોટી રાહત આપી છે. હાઇકોર્ટ તેમની અરજી ગ્રાહ્ય રાખતા સાત દિવસના શરતી હંગામી જામીન મંજૂર કર્યા છે. આ દરમિયાન હાઈકોર્ટે જામીન આપવાની સાથે કેટલીક શરતો પણ લાદી છે.
આ શરતોમાં કહેવાયું છે કે, જામીન સમયગાળા દરમિયાન ચૈતર વસાવા ગાંધીનગર છોડી શકશે નહીં અને તેમણે વિધાનસભાના સત્રમાં હાજરી આપવાની રહેશે. આ ઉપરાંત કોર્ટે તેમને મીડિયા સાથે વાતચીત કરવા કે કોઈ પણ પ્રકારનું નિવેદન આપવા પર પણ મનાઈ ફરમાવી છે. વિધાનસભા સત્રમાં હાજરી આપી પ્રજાકીય પ્રશ્નો રજૂ કરી શકાય તે માટે ચૈતર વસાવાએ હાઇકોર્ટમાં હંગામી જામીન માટે અરજી કરી હતી.
