ભરૂચ તાલુકાના દયાદરા ખાતે આવેલી હાઇસ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલને સાયબર માફિયાઓએ 21 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી, ₹6 લાખની મત્તા પડાવી લીધાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સાયબર ક્રાઇમ પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચના નબીપુર ગામની ગરીબ નવાઝ સોસાયટીમાં રહેતા અને દયાદરા હાઇસ્કૂલમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા ઇલ્યાસભાઈ પટેલને 11 ઓગસ્ટના રોજ એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. સામેની વ્યક્તિએ પોતાની ઓળખ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા TRAIના અધિકારી નેહા અગ્રવાલ તરીકે આપી હતી. તેણે પ્રિન્સિપાલને જણાવ્યું કે, તેમના આધાર કાર્ડ પરથી ઇશ્યૂ થયેલા સીમકાર્ડથી ગેરકાયદે પ્રવૃત્તિઓ થઈ રહી છે અને દિલ્હીના બારાખંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

સાયબર ઠગોએ વોટ્સએપ વિડીયો કોલ કરી દિલ્હી પોલીસના IPS અધિકારી સુનિલકુમાર ગૌતમ અને CBI ટીમ લીડર પ્રદીપસિંહ તથા રોહન ગુપ્તા તરીકેની ખોટી ઓળખ આપી હતી. તેમણે પ્રિન્સિપાલને ડરાવીને કહ્યું કે, રૂ. 6.80 કરોડના મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવશે. આ ડર બતાવી ઠગોએ વિડીયો કોલ મારફતે નજર રાખી હતી અને તેમને દર કલાકે I AM SAFE નો મેસેજ મોકલવા મજબૂર કર્યા હતા.

સાયબર માફિયાઓએ પ્રિન્સિપાલ પાસે ₹6.08 લાખની ગોલ્ડ લોન લેવડાવી હતી. ત્યારબાદ RBI ના નામે નાણાંની તપાસ કરવાના બહાને રાજસ્થાન મરુધરા ગ્રામીણ બેંકના એક ખાતામાં RTGS મારફતે ₹6 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા.

ઠગોએ આરબીઆઈના બોગસ સહી-સિક્કા વાળો લેટરપેડ પણ વોટ્સએપ પર મોકલ્યો હતો.54 વર્ષીય પ્રિન્સિપાલ ઈલ્યાસ પટેલે 31 ઓગસ્ટના રોજ ન્યુઝ પેપરમાં 13 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી ₹1.53 કરોડ પડાવ્યાના સમાચાર વાંચતા ઇન્ચાર્જ પ્રિન્સિપાલને પોતાની સાથે પણ આવી જ રીતે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થયો હતો.તેમણે તુરંત જ 1930 હેલ્પલાઇન પર સંપર્ક કરી ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.