અપહરણનો કેસ લડતા વકીલે જ આચર્યું દુષ્કર્મ
કેસ બગાડી નાખવાની ધમકી આપી આચર્યું હતું દુષ્કર્મ
ન્યાય અપાવનાર વકીલ જ નરાધમ નીકળ્યો
અસીલની 13 વર્ષની દીકરી પર દાનત બગાડી
સચીન GIDC પોલીસે ગણતરીના કલાકોમાં દબોચ્યો
સુરતમાં જે વકીલ પર ન્યાય અપાવવાની જવાબદારી હતી, જે વકીલને પીડિત પરિવારે ભગવાન ભરોસે પોતાની દીકરીનો કેસ સોંપ્યો હતો, તે જ વકીલ નરાધમ નીકળ્યો છે.વકીલે પોતાના જ અસીલની માત્ર 13 વર્ષ અને 6 મહિનાની સગીર દીકરી પર દુષ્કર્મ આચર્યું હોવાની સળગતી ઘટના સામે આવી છે.
સુરતમાંથી એક અત્યંત ચોંકાવનારા અને સમાજને શરમાવે તેવી ઘટના સામે આવી છે.એક સગીરાનું અગાઉ અપહરણ થયું હતું. આ કેસમાં કાયદાકીય લડત લડવા અને દીકરીને ન્યાય અપાવવા માટે પરિવારે એક વકીલ રોક્યો હતો. પણ કોને ખબર હતી કે રક્ષક જ ભક્ષક બની જશે! પકડાયેલા આરોપી વકીલનું નામ પ્રણયરાજ ગોવિંદભાઈ રણવીર છે, જેની ઉંમર 43 વર્ષ છે અને તે સુરતના ડીંડોલી વિસ્તારનો રહેવાસી છે. આ નરાધમ વકીલે સગીરાને ઘરકામના બહાને લાલચ આપી બોલાવી હતી. એટલું જ નહીં, તેને ડરાવવા માટે અગાઉના કેસમાં નુકસાન કરવાની, એટલે કે કેસ બગાડી નાખવાની ધમકી આપી હતી. સગીરા સાથે મારપીટ કરી, બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી કુકર્મ આચર્યું હતું.
આ મામલે સગીરાના પરિવારે હિંમત દાખવી સચીન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મામલાની ગંભીરતા જોઈને પોલીસે તાબડતોબ ચક્રો ગતિમાન કર્યા અને ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં જ આરોપી વકીલ પ્રણયરાજ રણવીરને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
