દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ક્રિકેટર ક્રિસ મોરિસે મંગળવારે રમતના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે તે કોચની ભૂમિકામાં જોવા મળશે. તેણે આ નવી ભૂમિકા માટે ઉત્સાહ વ્યક્ત કર્યો છે. તમને જણાવી દઈએ કે તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી છે.
IPL 2021માં રાજસ્થાન રોયલ્સે તેને 16.25 કરોડમાં ખરીદ્યો હતો. તેણે એવા સમયે નિવૃત્તિ લીધી છે જ્યારે વિશ્વની સૌથી લોકપ્રિય ફ્રેન્ચાઈઝી ક્રિકેટ લીગની થોડા દિવસોમાં મેગા ઓક્શન થવા જઈ રહી છે. હવે તે દક્ષિણ આફ્રિકાની હોમ ટીમ ટાઇટન્સની કોચિંગ કરશે. ઇન્સ્ટાગ્રામ પર નિવૃત્તિની જાહેરાત કરતા મોરિસે કહ્યું, ‘આજે હું ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી મારી નિવૃત્તિની જાહેરાત કરું છું! મારી સફરમાં ભાગ ભજવનાર દરેકનો આભાર, પછી ભલે તે નાની હોય કે મોટી… તે એક મજાની સફર રહી છે! ટાઇટન્સની કોચિંગ ભૂમિકા નિભાવીને આનંદ થયો. મોરિસે ડિસેમ્બર 2012માં ન્યૂઝીલેન્ડ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને 2013માં તેની પ્રથમ વનડે રમી હતી. ઓલરાઉન્ડરે ટેસ્ટ ક્રિકેટમાં તેની પ્રથમ મેચ વર્ષ 2016માં ઈંગ્લેન્ડ સામે રમી હતી. મોરિસે ચાર ટેસ્ટ, 42 ODI અને 23 T20I રમી છે. છેલ્લે 2019માં દક્ષિણ આફ્રિકા માટે આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ઓસ્ટ્રેલિયા સામેની આ ODI મેચ હતી. ત્યારથી તે વિશ્વભરની ફ્રેન્ચાઇઝી લીગમાં રમી રહ્યો છે.
