/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/16102823/gf.jpg)
ભરૂચ શહેરમાં હવે ટ્રાફિકની સમસ્યા વિકટ સ્વરૂપ ધારણ કરી રહી છે. જુનો સરદારબ્રિજ વાહનચાલકો માટે બંધ કરાયાં બાદ નવા સરદારબ્રિજ અને ગોલ્ડનબ્રિજ પર ચકકાજામ થઇ રહયો છે. સોમવારની સવાર ભરૂચવાસીઓ માટે વધુ એક સમસ્યા લઇને આવી હતી. ભરૂચ અને દહેજને જોડતા સ્ટેટ હાઇવે પર રીપેરીંગની કામગીરીના કારણે શ્રવણ ચોકડી વિસ્તારમાં ટ્રાફિકજામ થઇ ગયો હતો. શ્રવણ ચોકડીએ થયેલા જામના કારણે શાળાએ જતાં વિદ્યાર્થીઓ તથા દહેજ નોકરીએ જતાં નોકરીયાતો અટવાય પડયાં હતાં.
ભરૂચ અને દહેજને જોડતા રોડ પર ચોમાસા દરમિયાન ઠેર ઠેર ખાડાઓ પડી જતાં હવે તેના રીપેરીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. નેશનલ હાઇવે તથા જુના નેશનલ હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યાએ અજગરી ભરડો લીધો છે તેવામાં હવે દહેજ બાયપાસ રોડ પર ચકકાજામ થતાં ભરૂચ શહેર હવે “Traffic” નગરી બની ગયું હોય તેમ લાગી રહયું છે. વાહનોની વધી રહેલી સંખ્યાની સામે હવે રસ્તાઓ સાંકડા પડી રહયાં હોય તેમ લાગી રહયું છે. ટ્રાફિકજામ દરમિયાન વાહનચાલકો પણ થોડી ધીરજ રાખી ટ્રાફિકના નિયમોનું પાલન કરી ઉતાવળમાં રોંગ સાઇડ જવાનું ટાળે તો વાહન વ્યવહાર ધીમો પણ સરળતાથી ચાલી શકે તેમ છે.