• ભરૂચની પૂર્વપટ્ટીના ગામોમાં સમસ્યા

  • નર્મદા નદી કિનારેથી બેફામ રેતી ખનન

  • ઓવરલોડ ડમ્પરના કારણે માર્ગો તૂટ્યા

  • ગ્રામજનોને ભારે હાલાકી, કડક પગલા ભરવાની માંગ

ભરૂચની પૂર્વપટ્ટીના ગામોમાં બેફામ રેતી ખનનના કારણે ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.ઓવરલોડ રેતી ભરી નિકળતા ડમ્પરોના કારણે ગામના માર્ગોને વ્યાપક નુકશાન પહોંચે છે ત્યારે ગ્રામજનોએ ડમ્પર અટકાવી વિરોધ નોંધાવ્યો હતો.
ભરૂચ તાલુકાની પૂર્વપટ્ટીમાં આવેલા જુના તવરા અને કદોડ ગામની સીમ વિસ્તારમાં પ્રતિબંધિત જાહેર કરાયેલા નર્મદા નદી પટમાંથી ગેરકાયદે રતી ખનન ચાલી રહ્યું હોવાના આક્ષેપો ઉઠ્યા છે. સ્થાનિકોના કહેવા મુજબ વર્ષ 2020માં રાજ્ય સરકારે આ વિસ્તારને પ્રતિબંધીત જાહેર કર્યો હોવા છતાં ખનીજ માફિયાઓ દ્વારા રાતદિવસ બેરોકટોક રેતી ઉલેચાઈ રહી છે.
સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ નદી કિનારેથી રેતી ભરી નીકળતા ભારે ડમ્પરોના કારણે ગામના આંતરિક રસ્તાઓ તેમજ મુખ્ય માર્ગોની હાલત ખરાબ બની ગઈ છે. આખી રાત ડમ્પરોની અવરજવરથી માર્ગો કીચડમય બનતા ખેડૂતોને ખેતરો સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. સાથે જ અકસ્માતનું જોખમ પણ વધ્યું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.
ગ્રામજનોનો આક્ષેપ છે કે અનેક ડમ્પરો નંબર પ્લેટ વગર દોડી રહ્યા છે, છતાં ખાણ-ખનીજ વિભાગ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી નથી. ખેડૂતો દ્વારા અનેકવાર ટેલિફોનિક રજૂઆત છતાં જવાબ ન મળતા આખરે સ્થાનિકોએ ડમ્પરો રોકી રોષ વ્યક્ત કર્યો હતો. ઉલેખનીય છે કે, આમ બેફામ બનેલા ખનીજ માફીયાઓને કારણે અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. આ બાબતે ખાણખનીજ વિભાગના અધિકારી સાથે સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે તપાસ માટે ટીમ મોકલી દેવામાં આવી છે. ત્યાર બાદ સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.