-
શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટનાથી ખળભળાટ મચ્યો
-
સરકારી ગ્રાન્ટમાં મોટાપાયે ઉચાપતનું કૌભાંડ બહાર આવ્યું
-
સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત કાગળ પર સાધનોની ખરીદી
-
રૂ. 2.79 કરોડના કૌભાંડ મામલે 6 લોકો સામે ફરિયાદ નોંધાય
-
કૌભાંડમાં અન્ય મોટા માથાઓની સંડોવણી હોવાની શક્યતા
પંચમહાલ જિલ્લામાં સરકારી નાણાંનો દુરુપયોગ કરી અંદાજે રૂ. 2.79 કરોડથી વધુની રકમની ઉચાપત કરનાર 2 કરાર આધારીત કર્મી અને 4 એજન્સીઓ વિરુદ્ધ પોલીસે ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પંચમહાલ જિલ્લાના સરકારી ગ્રાન્ટમાં મોટાપાયે ઉચાપતનું કૌભાંડ સામે આવ્યું છે. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત કાગળ પર સાધનોની ખરીદી કરીને સરકારી નાણાંનો દુરુપયોગ કરી અંદાજે રૂ. 2.79 કરોડથી વધુની રકમની ઉચાપત કરતા 2 કરાર આધારીત કર્મી અને 4 એજન્સીઓ સામે ફરીયાદ ગોધરા બી’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. વર્ષ 2024થી 2026 દરમિયાન પંચમહાલ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટરની કચેરી, સમગ્ર શિક્ષા, જિલ્લા પંચાયત ગોધરા ખાતે કૌભાંડ આચરવામાં આવ્યું હતું.
કચેરીના હિસાબી અધિકારી (વર્ગ-2) રણજીતસિંહ રાઠોડ દ્વારા આ મામલે સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, કરાર આધારીત કર્મચારી પૂજન જોષી અને નિતિન પટેલે સરકારી ધારા ધોરણ મુજબ સાધનોની ખરીદી નહીં કરી બનાવટી બિલો બનાવીને બિલોને સાચા તરીકે ઉપયોગ કરીને સરકારી ગ્રાન્ટમાં નાણાની ઉચાપત કરી હોવાનું બહાર આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચ્યો છે.
સર્વ શિક્ષા અભિયાન અંતગર્ત શાળાઓમાં એજન્સી દ્વારા સાધનો નહીં આપીને આર્થીક લાભ મેળવવા બદઇરાદાપુર્વક પડયંત્ર રચીને મેળાપણાપણાથી સરકારી નાણા કુલ 2 કરોડ 79 લાખ 59 હજાર 816 રૂપિયાની ઉચાપત કરી છે. સરકારી ખરીદી પ્રક્રિયાના નિયમોનું ઉલ્લંઘન કરી ખોટા અને બનાવટી બિલો બનાવી સરકારી ગ્રાન્ટમાંથી નાણાં એજન્સીઓના ખાતામાં જમા કરાવી હતી. આ એજન્સીઓએ કોઈપણ પ્રકારના સાધનો પૂરા પાડ્યા વગર માત્ર કાગળ પર વ્યવહારો બતાવી સરકાર સાથે છેતરપિંડી કરી હતી, ત્યારે હાલ તો સમગ્ર મામલે ગોધરા શહેર બી’ ડીવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કૌભાંડમાં હજુ પણ અન્ય મોટા માથાઓની સંડોવણી હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
