દુબઈથી ઈઝરાયલના તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં કો-પાયલટે કરેલા ઘાતક હુમલા અને વિમાન ક્રેશ કરવાના પ્રયાસ વચ્ચે અડિખમ ઊભા રહીને 174થી વધુ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની જિંદગી બચાવનાર ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વીડિયો કોલ પર વાતચીત કરી હતી.

વડાપ્રધાને આ ગુજરાતી પાયલટના સાહસ અને સમયસૂચકતાની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. તેમજ તેઓ ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી. આ વાતચીત દરમિયાન કેપ્ટન સ્મિત અત્યંત ભાવુક થઈ ગયા હતા.

ઘટનાની ભયાનક પળોને યાદ કરતા કેપ્ટન સ્મિત મચ્છરે પીએમ મોદીને જણાવ્યું કે, હું નીચે ઢળી પડ્યો હતો પણ મને એમ હતું કે હું લોકોને મારવાના દઈ શકું. તે સમયે પણ હું હનુમાન ચાલીસા બોલી રહ્યો હતો અને હનુમાનજીએ જ અમને બચાવ્યા.

ગંભીર રીતે છરીના ઘા વાગ્યા હોવા છતાં, કેપ્ટન સ્મિતે પોતાની જિંદગીની પરવા કર્યા વિના કોકપિટનો દરવાજો ખોલીને મુસાફરોને મદદ માટે બોલાવ્યા હતા અને સંભવિત પ્લેન ક્રેશનું મોટું ષડયંત્ર નિષ્ફળ બનાવ્યું હતું.

વડાપ્રધાન મોદીએ કેપ્ટન સ્મિતની બહાદુરીને બિરદાવતા કહ્યું કે તમે આટલા લોકોના જીવ બચાવ્યા. આજે આખો દેશ ગર્વ લઈ રહ્યો છે કે અમે જીવ લેતા નથી, લોકોના જીવ બચાવીએ છીએ. પોતે ઈજાગ્રસ્ત થયા છતાં તમે પોતાની ચિંતા ના કરી અને મુસાફરોના જીવની ચિંતા કરી છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, હું તમારી માતાને પ્રણામ કરું છું કે તેમણે તમને આવા સંસ્કાર આપ્યા. સાવરકુંડલા અને વઢવાણમાં પણ અત્યારે ભાવુક માહોલ છે, દેશના મંદિરોમાં લોકો તમારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. આ સિવાય પીએમ મોદીએ સાઉદી અરેબિયા સરકાર અને યુએઈ સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.