અંકલેશ્વરમાં સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં વર્ષોથી અગ્રેસર શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગ્રુપ દ્વારા સંસ્થાના ૯ વર્ષ પૂર્ણ થવા અને ૧૦મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે જરૂરિયાતમંદ લોકો માટે નિઃશુલ્ક તબીબી તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વરના રાજપીપળા રોડ પર સોનમ સોસાયટી નજીક આવેલી ગોપીનાથ સોસાયટી ખાતે યોજાયેલી આ શિબિર પદ્મસિદ્ધ હેલ્થકેર, જી.આઈ.ડી.સી. અંકલેશ્વરના સહયોગથી યોજવામાં આવી હતી. શિબિરમાં જરૂરિયાતમંદ નાગરિકો માટે રક્તચાપ, રક્તમાં શર્કરાનું પ્રમાણ, હૃદયની ઈસીજી સહિતની વિવિધ તબીબી તપાસો નિઃશુલ્ક કરવામાં આવી હતી.
સાથે જ ઉપસ્થિત લોકોને તબીબી ટીમ દ્વારા જરૂરી આરોગ્યલક્ષી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું.આ સેવાકીય પ્રવૃત્તિને સફળ બનાવવા માટે પદ્મસિદ્ધ હેલ્થકેરના તબીબ ડૉ. હિરેન્દ્ર વ્યાસ તથા આરતી બહેને વિશેષ સહયોગ આપ્યો હતો. તબીબી ટીમે ઉત્સાહપૂર્વક સેવા આપીને જરૂરિયાતમંદ લોકોને આરોગ્ય સુવિધાઓનો લાભ પહોંચાડ્યો હતો.
