કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ તા. 26 માર્ચે ગુજરાત આવશે. તેઓ પોતાના સંસદીય વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ગુજરાત પ્રવાસ દરમિયાન અમિત શાહ પોતાના સંસદ વિસ્તાર કલોલમાં જનસભાને સંબોધન કરે તેવી શક્યતા છે. આ સાથે જ ગાંધીનગર જિલ્લાને શ્રેષ્ઠ જિલ્લો બનાવવા અને ગ્રામ વિકાસ માટે સંરપંચો સાથે સંવાદ કાર્યક્રમ પણ તેઓ યોજી શકે છે.
ગુજરાતની વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ કેન્દ્રીય પ્રધાનનો ગુજરાત પ્રવાસ પણ ચાલુ થઇ ગયો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ફરી એકવાર ગુજરાત પ્રવાસે જવાના છે. અમિત શાહ તા. 26 માર્ચે પોતાના સંસદીય વિસ્તારમાં વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે. કલોલમાં તેઓ 1 કરોડના ખર્ચે તૈયાર થનારા સરદાર બાગના રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને રૂ. 18 કરોડના ખર્ચે તૈયાર થનારા રેલ્વે પૂર્વ બ્રિજનાં ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપશે. અમિત શાહ કલોલ તાલુકામાં એક વિશાળ જનસભાને પણ સંબોધન કરશે.
અમિત શાહ પોતાની ગુજરાત મુલાકાત દરમિયાન સરપંચો સાથે સંવાદ કાર્યક્રમ યોજશે. ગાંધીનગર જિલ્લાના શ્રેષ્ઠ જિલ્લો બનાવવા માટે જિલ્લાના ગામોના સરપંચ નો અભિપ્રાય મેળવી. ગામોનો વિકાસ કેવી રીતે જિલ્લા માટે મહત્વનો ભાગ ભજવી શકશે તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે. વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે મતદારો મત મેળવવા સંબંધિત મુદ્દાઓ પર પણ ધ્યાન આપવા બાબતે તૈયારીઓ થવાની સંભાવના છે. હાલ આ મુલાકાત 2022 વિધાનસભાની ચૂંટણી માટે કલોલ તાલુકા માટે મહત્વની સાબિત થઈ શકે છે.
