કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી
સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
નીતિન ગડકરીએ નેશનલ હાઇવે ઓથોરિટીની ચિંતન શિબિરમાં ભાગ લીધો
સચિવ ઉદિત અગ્રવાલ, મંત્રી ઋષિકેશ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ
મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનોએ કાર્યક્રમમાં હાજરી આપી
ભારતના સડક, પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ સાથે જ તેઓએ નેશનલ હાઇવે ઓથોરિટીની ચિંતન શિબિરમાં પણ હાજરી આપી હતી.
નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજિત નેશનલ હાઇવે ઓથોરિટીની ચિંતન શિબિરમાં હાજરી આપવા પધારેલા કેન્દ્રીય સડક, પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ભારત સરકારના સડક, પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.
આ સાથે જ તેઓએ એકતા નગરમાં એકતાની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતા તેમજ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાનને સમર્પિત આ સ્મારક અંગે માહિતી મેળવી હતી.
તેઓએ નોંધપોથીમાં પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સ્વર્ગીય સરદાર વલ્લભભાઈ પટેલ આપણા દેશની રાષ્ટ્રીય એકતાના શિલ્પકાર હતા, તેમની પ્રેરણા આપણા સૌને વિશ્વ ગુરુ બનવાની પ્રેરણા આપતી રહેશે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના આ વ્યક્તિત્વને, કાર્ય અને કર્તૃત્વને એક સ્મારકના રૂપમાં જે પ્રકારથી અહીં ચિત્રાંકિત કર્યું છે, તે દેશવાસીઓ માટે મોટા અભિમાનનો વિષય છે.
આ પ્રસંગે સડક, પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના સંયુકત સચિવ ઉદિત અગ્રવાલ, રાજ્ય સરકાર વતી ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ વન સંરક્ષક પ્રસાદ રવિ રાધાકૃષ્ણ, અધિક કલેકટર ગોપાલ બામણીયા અને નાયબ કલેક્ટર નિરવ પારીતોષ ઉપસ્થિત રહ્યા હતા.
