વલસાડમાં મહેસૂલ કર્મચારીઓનો હલ્લાબોલ
કલેક્ટર કચેરી ખાતે મહેસૂલી કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન
જનસેવા કેન્દ્રો અને સરકારી કચેરીઓની કામગીરી ઠપ
અરજદારોને ધક્કો ખાવાની નોબત આવી
લાંબા સમયથી પડતર માંગણીઓ ન સંતોષાતા આક્રોશ
વલસાડ જિલ્લામાં મહેસુલી કર્મચારીઓ માસ સી.એલ પર ઉતરી જતા જનસેવા કેન્દ્ર સહિતની કચેરીઓમાં કામગીરી ઠપ થઈ ગઈ હતી.
વલસાડ જિલ્લામાં મહેસુલી કર્મચારીઓએ સરકાર સામે મોરચો માંડ્યો છે. પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને જિલ્લાના 250થી પણ વધુ મહેસૂલી કર્મચારીઓ એકસાથે માસ સી.એલ. પર ઉતરી ગયા છે. કર્મચારીઓએ વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈને તંત્ર અને સરકાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજી હલ્લાબોલ કર્યો હતો.
સરકારને અગાઉ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય નિવારણ ન આવતા આખરે કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. મહેસૂલી કર્મચારીઓ એક સાથે રજા પર ઉતરી જતાં વલસાડ જિલ્લાના જનસેવા કેન્દ્રો સહિત તમામ સરકારી કચેરીઓનું કામકાજ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. દૂર-દૂરથી સરકારી કામકાજ અર્થે આવેલા અરજદારો અને સામાન્ય જનતાને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને ધક્કા ખાવાનો વારો આવ્યો છે.
વિરોધ દર્શાવી રહેલા કર્મચારીઓએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આગામી દિવસોમાં સરકાર દ્વારા તેમની તમામ ન્યાયિક માંગણીઓનો ઉકેલ લાવવામાં નહીં આવે, તો આવનારી 7મી તારીખથી તેઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જશે.
