આમોદના રાણીપુરા ગામે નહેરમાં વારંવાર પડતાં ગાબડાં

ગેરકાયદે ગાબડાં પાડવામાં આવતા હોવાના લોકોના આક્ષેપ

પાણી ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોના પાકને ભારે નુકસાન

જાગૃત ખેડૂત દ્વારા તંત્રમાં લેખિત-મૌખિક રજૂઆત કરાય

અસરગ્રસ્તોને વળતર અને જવાબદાર સામે કાર્યવાહીની માંગ

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના રાણીપુરા ગામે નહેરમાં વારંવાર ગેરકાયદેસર ગાબડાં પાડવામાં આવતાં હોવાના સ્થાનિકો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે.

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના રાણીપુરા ગામ નજીકથી પસાર થતી નહેરમાં ગાબડાં પાડવામાં આવતાં હોવાના ગંભીર આક્ષેપ સામે આવ્યા છે. આ નહેરના પાણીનો ગેરકાયદેસર ઉપયોગ થતાં નીચાણવાળા ખેતરોમાં પાણી ફરી વળ્યું છે, જેના કારણે ખેડૂતોના તૈયાર કપાસ અને દિવેલા જેવા પાકને ભારે નુકસાન પહોંચ્યું હોવાની ફરિયાદ ઉઠી છે.

આ મામલે જાગૃત ખેડૂતે વહીવટી તંત્રને લેખિત અને મૌખિક રજૂઆત કરી જવાબદાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. એક તરફ ખેડૂતો સમગ્ર વર્ષની મહેનતથી પાક તૈયાર કરી રહ્યા છે. તો બીજી તરફ, નહેરના પાણીથી પાકને નુકસાન થતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સાથે જ નુકસાનગ્રસ્ત ખેતરોનો સર્વે કરવામાં આવે અને અસરગ્રસ્તોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.