/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/25205046/1-13.jpg)
વડોદરા શહેરના ઈદગાહ મેદાન નજીક મિત્રો વચ્ચેના ઝગડામાં સગીરને હત્યાના ઇરાદે ઉઠાવી જઇ બચાવનાર યુવક પર ચાકુ વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડવાનો બનાવ સામે આવ્યો છે. વાડી પોલીસે ફરાર હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.
વડોદરા શહેરના ઈદગાહ મેદાન પાસે રહેતા યુવક ઉપર સોમવારે સાંજે હુમલાખોરોએ ચાકુ વડે જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે. અચાનક હુમલાખોરોનું ટોળું ધસી આવતા વિસ્તારમાં ભારે ઉત્તેજના છવાઇ હતી. સ્થાનિક રહીશ મયુરભાઈએ જણાવ્યું હતું કે, તેના નાના ભાઈને મિત્રો સાથે અણબનાવ બનતા કલાલી તરફ રહેતા તેના મિત્રો બાઈક લઈને ઘરે ધસી આવ્યા હતા. અને ચપ્પુ બતાવી હત્યા કરવાના ઈરાદે જબરજસ્તી બાઈક પર બેસાડી નાસી રહ્યા હતા. તે દરમિયાન સ્થાનિક રહીશો પણ મદદ અર્થે દોડી આવ્યા હતા. અને ચિરાગ નામના સગીરને બચાવ્યો હતો જોકે આ દરમિયાન હુમલાખોરોએ બચાવનાર ધીરજભાઈની પીઠમાં ચાકુનો ઘા કરતા જેઓને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતા વાડી પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો .ફરિયાદના આધારે વાડી પોલીસે ફરાર હુમલાખોરોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે