વડોદરા : ભણીયારા પાસે પેટ્રોલપંપ ઉપર લુંટનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયાં

New Update
વડોદરા : ભણીયારા પાસે પેટ્રોલપંપ ઉપર લુંટનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયાં

વડોદરાના ભણીયારા ગામ પાસે ત્રણ મહિના અગાઉ બનેલા લુંટના બનાવનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલી ઉત્તરપ્રદેશની ગેંગના બે સાગરિતોને ઝડપી પાડયાં છે.

ત્રણ મહિના અગાઉ વડોદરાના ભણીયારા પાસે આવેલ દિપ મંગલ ઇન્ડિયન પેટ્રોલ પંપ ઉપર કેશિયર તરીકે ફરજ બજાવતા પ્રકાશ પરમાર પેટ્રોલપંપ પર ત્રણ કર્મચારીઓ સાથે નાઈટ શિફ્ટમાં ફરજ પર હતા. ત્યારે સવારના આશરે 5:30 વાગે અચાનક ત્રણ બુકાનીધારીઓ ત્રાટકયાં હતાં અને તમંચો બતાવી કેશિયરને હિન્દી ભાષામાં ધમકી આપી હતી. લુંટારૂઓને જોઇ ત્રણે કર્મચારીઓ જીવ બચાવવા માટે ભાગ્યા હતાં પણ લુંટારૂઓએ તેમનો પીછો કરી ફરીથી ઓફિસમાં લઇ આવ્યાં હતાં. કેશિયર પ્રકાશ પરમારને બે લુંટારૂઓએ પકડી રાખી ડ્રોઅરમાંથી 27 હજાર રૂપિયાની લુંટ ચલાવી ફરાર થઇ ગયાં હતાં. પોલીસને તપાસ દરમિયાન જરોદ નજીકથી લુંટારૂઓએ વાપરેલી બાઇક મળી આવી હતી.

વડોદરા ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી અને એસઓજી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને અલીરાજપુર થી ઉત્તર પ્રદેશ સુધીના હાઇવે ઉપર આવતી તમામ હોટલ પેટ્રોલ પંપ અને ટોલનાકાનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ગોલ્ડન ચોકડી ઉપર લાગેલા સીસીટીવી કેમેરામાં ઉત્તર પ્રદેશના પાર્સિંગ વાળી શંકાસ્પદ ઇન્ડિકા કાર જણાય આવી હતી. આ કાર ઉત્તર પ્રદેશના કુખ્યાત આરોપી ચંદ્રપ્રકાશ સરજુ પ્રસાદની હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે ચંદ્રપ્રકાશ અને તેના મિત્ર અતુલ વર્માને ઝડપી પાડી પુછતાછ હાથ ધરતાં તેઓએ ગુનાની કબૂલાત કરી હતી. તેમના અન્ય મિત્ર અજય પટેલ અને ધનરાજ લોધી સાથે ભેગા મળી કામરેજ એસટી ડેપો પાસેથી બાઇકની ચોરી કરી ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી બે મોબાઇલ ફોન રોકડા રૂપિયા 2240 અને ઇન્ડિકા કાર કબજે કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આરોપીઓ વિરુદ્ધ લૂંટ મર્ડર અપહરણ મારામારી સહિતના અસંખ્ય ગુના નોંધાયેલા છે.

Latest Stories