આધ્યાત્મિક ગુરુ રવિશંકરની આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા વડોદરા સેન્ટ્રલ જેલમાં ૫૦ જેટલા કેદીઓ માટે “પ્રિઝન સ્માર્ટ” નામનો ૬ દિવસીય નિઃશુલ્ક વર્કશોપ યોજાયો આવ્યો હતો. જેનો આશય તણાવમુક્ત રહીને જીવવાનું માર્ગદર્શન આપવાનો હતો. આ વર્કશોપનું આર્ટ ઓફ લિવિંગના પ્રશિક્ષકો જીતેન્દ્ર ખીમલાણી તેમજ જવલંત દેસાઈ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું.
વડોદરાની સેન્ટ્રલ જેલના કેદીઓને ગુસ્સા પર કાબૂ મેળવવા, તણાવમુક્ત થવા માટેની ધ્યાન તેમજ પ્રાણાયામની વિવિધ પ્રક્રિયાઓ શીખવાડવામાં આવી હતી. સંસ્થાના સ્થાપક ગુરુદેવ રવિશંકરના મત મુજબ પોતાના ગુસ્સા પર કાબૂ ન રાખવાને કારણે અને સજગતા ન હોવાને કારણે વ્યક્તિ ગુનો કરે છે. તેઓને તેમના કરેલા ગુનાનો પસ્તાવો થાય છે, જેના કારણે તેઓ તણાવ, ડિપ્રેશન વગેરેનો ભોગ બને છે. આ બધી નકારાત્મક ભાવનાઓથી તેઓ મુક્ત થાય તેમજ પોતાનામાં તેમજ સમાજમાં તેઓ સકારાત્મક બદલાવ લાવી શકે તે ખુબ જરૂરી છે. વર્કશોપમાં સુદર્શન ક્રિયા જે એક શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે, તે શીખવાડવામાં આવે છે જેના નિયમિત અભ્યાસથી ગુસ્સો, તણાવ, ડિપ્રેશન વગેરે પર નિયંત્રણ લાવી શકાય છે. આ વર્કશોપમાં કરાવેલી પ્રક્રિયાઓ બાદ કેદીઓ માં એક અસાધારણ સકારાત્મક બદલાવ જોવા મળ્યો હતો. તેઓએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે, આ વર્કશોપમાં ભાગ લીધા પછી તેમણે સતત વિચારતા રહેવાની સમસ્યાથી મુક્તિ મળી તેમજ તેમના ગુસ્સા તેમજ બદલાની ભાવના પર તેમણે કાબૂ મેળવ્યો. કેટલાક કેદીઓએ જણાવ્યું કે, મન શાંત થવાથી તેઓને મળેલી સજાને સ્વીકારવાની આંતરિક શક્તિ મળી. અમુક કેદીઓએ એવું પણ જણાવ્યું કે, હવે તેઓને સારી ઊંઘ આવે છે. આવી શિબિરોનું આયોજન થતું રહે તેવા મંતવ્ય પણ કેદીઓ એ આપ્યા હતા. વર્કશોપ પૂર્ણ થયા બાદ કેદીઓ તેમજ જેલના કર્મચારીઓએ આર્ટ ઓફ લિવિંગ સંસ્થા તેમજ વર્કશોપ સંચાલિત કરનાર પ્રશિક્ષકો માટે આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે નોંધનીય છે કે, આર્ટ ઓફ લીવીંગનો આ નિઃશુલ્ક “પ્રિઝન સ્માર્ટ” પ્રોગ્રામ ૬૫થી વધુ દેશોમાં તેમજ ભારતમાં ૧૦૦થી વધુ જેલોમાં સક્રિય છે.
