વડોદરા કોર્પોરેશન દ્વારા અમૃતમ પ્રોજેક્ટ અંતર્ગત સિંધરોટ પાણી પુરવઠા યોજનાની કામગીરી દરમિયાન બ્રિજનો કેટલોક ભાગ તૂટી પડતાં યોજના પૂર્ણ કરવામાં વિલંબ થયો છે, ત્યારે હવે વહેલી તકે આ યોજના પૂર્ણ થાય તે માટે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સિંધરોટ ખાતે ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરી જૂન મહિનામાં યોજના પૂર્ણ થાય તે માટે સુચના આપી હતી.
વડોદરા શહેરના પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારમાં પીવાના પાણીની તંગી નિવારવા કોર્પોરેશન દ્વારા અમૃતમ યોજના અંતર્ગત પાણીની યોજના અમલમાં મૂકી હતી. જે ગત મહિને કાર્યરત થઈ જવાની હતી પરંતુ કામગીરી દરમિયાન બ્રિજ તૂટી પડતા યોજના પૂર્ણ થવામાં વિલંબ થયો હતો. ગઈકાલે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સિંધ રોડ પાણીની યોજનાના સ્થળની મુલાકાત લીધી હતી અને કામગીરીની સમીક્ષા કરી હતી. સિંધરોટ પાણીની યોજનામાં વીજ કનેક્શન મેળવવાની પ્રક્રિયા ઝડપી મળે તેને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કમિશનરે એમ.જી.વી.સી.એલ.ના ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરી વહેલી તકે વીજ કનેકશન આપવા જણાવ્યું હતું.
વીજ કંપનીએ તાત્કાલિક ટેમ્પરરી કનેક્શન આપી દેવાની ખાતરી આપી હતી. તો કેટલીક જગ્યાએ જમીનનો કબજો મેળવવામાં વિલંબ થયો હતો જેમાં જિલ્લા પોલીસની મદદ લઈને કબજો મેળવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ઉપરાંત પ્લાન્ટ ઉપર લગાવેલી મશીનરીનું વહેલી તકે ઇન્સ્પેકશન થાય તે માટે ગાંધીનગર ચીફ ઈલેક્ટ્રીક ઇન્સ્પેક્શન ઇન્સ્પેક્ટરનો મ્યુનિસિપલ કમિશનરે સંપર્ક કરી વહેલી તકે ઇન્સ્પેકશન કરી આપવા જણાવ્યું હતું. સિંધરોટ પાણીની યોજના ગ્રીન એનર્જી ક્લીન એનર્જી બની રહે તે માટે સોલાર સિસ્ટમ લગાવી શકાય તે માટે ફિઝિબિલિટી ચકાસી લેવા તેમજ સ્થળ ઉપર વૃક્ષોનું પ્લાન્ટેશન કરવા કમિશનરે સૂચના આપી હતી. કમિશનરે કોર્પોરેશનના અધિકારીઓને સૂચના આપી હતી કે, પ્રોજેક્ટ જૂન મહિનામાં કાર્યરત થઇ જાય તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી છે.
