/connect-gujarat/media/post_banners/a3143ff9c9702fc8dd3f94ca1ca24c6c4fad1f3f63d76a495b985f8ad8dcb8a1.webp)
વડોદરાથી માત્ર દોઢેક કલાકની મુસાફરી બાદ ડભોઈ તાલુકામાં આવેલા વઢવાણા પક્ષી અભયારણ્ય માટે એવું કહી શકાય કે, 'યે નહીં દેખા તો કુછ નહીં દેખા..!' કારણ કે, 630 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું આ તળાવ હજારો માઈલ દૂરથી ઉડીને આવતા અવનવા પક્ષીઓનું અનેરૂ અને સુરક્ષિત વિશ્વ છે. 135થી વધુ જાતિના વિવિધ પક્ષીઓની આ અલગ દુનિયામાંથી વધારે જાતિના તો પ્રવાસી(યાયાવર) પક્ષીઓનો સમાવેશ થાય છે. અને આ જ શ્રેષ્ઠ સમય છે, વઢવાણા વેટલેન્ડની મુલાકાત લેવાનો.
આમ તો, અંદાજે 100 વર્ષ પહેલા સિંચાઈના હેતુથી વડોદરાના રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ આ તળાવનું નિર્માણ કરાવ્યું હતું. પરંતુ અત્યારે તો, એ પ્રવાસી પક્ષીઓ અને લોકો માટે પર્યટન સ્થળ બની ગયું છે. ડભોઇ શહેરના નાંદોદી દરવાજાથી સંખેડા તરફ જતા રસ્તા પર તમે ડાબી બાજુના વળાંક પર વાહન લો, એટલે તમને આસપાસના ખેતરોમાં જ અવનવા પક્ષીઓ અને તેનો કલરવ સાંભળીને નજીકમાં પક્ષી અભયારણ્ય હોવાની ગંધ આવી જાય. અને પછી, શોધતા-શોધતા તમે વઢવાણા પાસે આવેલા તળાવ સુધી પહોંચી જાવ, એટલે તમને દેશના અગત્યના જળપ્લાવિત વિસ્તાર (વેટલેન્ડ) તેમજ રામસર સ્થળના પણ દર્શન થઈ જ જાય.