હિમાચલના કુલ્લુ-મનાલી વિસ્તારમાં આવેલ માઉન્ટ ફ્રેન્ડશીપ શિખર 17 હજાર ફૂટથી પણ વધુ ઉંચુ બર્ફિલુ શિખર છે. દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનનો સામનો કરીને વડોદરા શહેરની યુવતીએ સફળતાપૂર્વક આરોહણ કરીને તેના પર તિરંગો લહેરાવ્યો હતો.
વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતી ભક્તિ ખાક્કર તા. 21 મેના રોજ હિમાચલના કુલ્લુ-મનાલી વિસ્તારમાં આવેલ માઉન્ટ ફ્રેન્ડશીપ શિખરને સર કરવા રવાના થઇ હતી, જ્યાં 5 દિવસની કઠિન ચઢાઈ બાદ તા. 26 મેના સવારના 9.45 કલાકે સફળતાપૂર્વક આરોહણ પૂર્ણ કરીને મનાલી બેઝ કેમ્પ પર પરત આવી હતી. ભક્તિ ખાક્કરે જણાવ્યું હતું કે, છેલ્લા 2 વર્ષથી ટ્રેકિંગ સાથે સંકળાયેલી પ્રવૃત્તિમાં જોડાયેલી છું.
વર્ષ 2021ના જાન્યુઆરી મહિનામાં ગુજરાતના 1800 કિમીના દરિયાકાંઠે સાયકલ ચલાવી હતી. હાલમાં હિમાચલનું માઉન્ટ ફ્રેન્ડશીપ શિખર સર કર્યું છે, તેના માટે છેલ્લા 3 મહિનાથી તૈયારી કરતી હતી. જેમાં દરરોજ રનીંગ, સામાન સાથે ચઢ-ઉતરની પ્રેક્ટિસ અને યોગ પ્ર-ણાયામનો અભ્યાસ કર્યો હતો. દ્રઢ મનોબળ, આકરી શારીરિક તાલીમ અને આત્મવિશ્વાસના કારણે જ ભક્તિ ખાક્કરને સફળતા પ્રાપ્ત થઇ હતી. જો દરેક યુવાઓમાં આત્મવિશ્વાસ હશે તો જરૂરથી તેઓને સફળતા મળશે તેવું પણ ભક્તિ ખાક્કરે જણાવ્યુ હતું.