વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દાદાના ઘરે રહેતી 17 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવીને તેને પોતાની સાથે ભગાડી ગયા બાદ તેની પર વારંવાર બળાત્કાર ગુજારીને તેને ગર્ભવતી બનાવનાર પરિણીત પ્રેમી યુવકને અદાલતે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી 58 હજારનો દંડ ભરવાનો આદેશ કર્યો હતો,તેમજ બળાત્કાર પીડીતાને ચાર લાખનું વળતર ચૂકવવા માટે ભલામણ કરાઈ હતી.
વડોદરા જિલ્લાના સાવલી પોલીસ મથકે 2020ની સાલમાં પોતાના મામાના ઘરે રહેતી 17 વર્ષીય સગીરાને તેની પાડોશમાં રહેતો કરણ નાયકે સગીરાની મરજી વિરુદ્ધ પટાવી ફોસલાવી પ્રેમજાળમાં ફસાવીને અપહરણ કરીને વિવિધ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.
આ બનાવની સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આરોપીને ઝડપીને જેલ ભેગો કર્યો હતો. જે કેસ સાવલીની અધિક પોક્સો કોર્ટના જજ જે.એ. ઠક્કરની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સી.જી.પટેલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીને તકસીરવાર ઠેરવીને 20 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 50,000નો દંડ ફટકાર્યો હતો. જ્યારે અપહરણ સહિતની અન્ય કલમોમાં 8 વર્ષની સજા અને રૂપિયા 8000નો દંડ ફટકાર્યો હતો.
કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી પોતે પરિણીત હોવા છતાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. તે સાથે જિલ્લા લીગલ ઓથોરિટીને વીકટીમ કોમ્પેનશેસન સ્કીમ હેઠળ રૂપિયા 4 લાખનું વળતર પીડિતાના પરિવારને ચૂકવી આપવા જિલ્લા લીગલ ઓથોરિટીને ભલામણ કરી છે. તેમજ આરોપી જો દંડ ભરે તે રકમ પણ પીડિતાને ચૂકવી દેવા ભલામણ કરી છે.