શહેરના વિવિધ વિસ્તારોમાંથી પૂરના પાણી ઓસર્યા
પરિસ્થિતિને કંટ્રોલ કરવા ગૃહ રાજ્યમંત્રીના ધામા
ગૃહ રાજ્યમંત્રી દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત
હર્ષ સંઘવીએ પાલિકાની સફાઇ કામગીરીનું નિરીક્ષણ કર્યું
અધિકારીઓ સાથે હર્ષ સંઘવીએ ઝોનલ મિટિંગ યોજી
વડોદરા શહેરમાં પૂરના પાણી ઓસરતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ સાથે જ તેઓએ પાલિકા દ્વારા કરવામાં આવતી સફાઇ તથા અન્ય કામગીરીનું નિરીક્ષણ કરી ઝોનલ મિટિંગ યોજી હતી.
પૂરના સંકટ બાદ વડોદરા શહેરને ફરી ધબકતું કરવા માટે રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી ગત રાત્રે વડોદરા આવી પહોંચ્યા હતા. મોડીરાતથી વહેલી સવાર સુધી તેઓ અનેક વિસ્તારોમાં ફર્યા હતા. તેઓએ વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની કાલાઘોડા બ્રિજ પર મુલાકાત લીધી હતી.
ત્યારબાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને પાલિકાની વિવિધ ટીમો દ્વારા કરવામાં આવતી સફાઇ તથા અન્ય કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું, આ સાથે ઝોનલ મિટિંગ લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, લોકોએ તકલીફ ભોગવી છે, તો તેઓ જરૂરથી કહેશે અને અમારે સાંભળવાનું છે.
ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય મનીષા વકીલ અને કોર્પોરેટર બંદિશ શાહને લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો, આથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તાબડતોબ પરિસ્થિતિને કંટ્રોલ કરવા વડોદરા દોડી આવ્યા હતા.