/connect-gujarat/media/post_banners/200a232f9cb33ed71de9f7f7ed0ca811902aef2243f0251cd69ab0d821935be1.jpg)
હાથમાં નસીબની લકીર ના હોય તો પણ પ્રબળ પુરુષાર્થ, મક્કમ મનોબળ અને નૈતિક હિંમત સાથે આગળ વધીએ તો ચોક્કસ સફળતા મળે છે, એ વાતની પ્રતીતિ વડોદરા શહેરની મુસ્કાન શેખે કરાવી છે. જુઓ કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ...
એક દુર્ઘટનામાં પોતાનો એક હાથ ખોઇ બેઠેલી આ યુવતી છે વડોદરા શહેરની મુસ્કાન શેખ... કે, જેણે હિંમત હાર્યા વિના પોતાનો અભ્યાસ ચાલું રાખ્યો અને આજે તે એસ.એસ.જી. હોસ્પિટલમાં MBBSના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહી છે. આજથી નવેક વર્ષ પહેલા મુસ્કાન ધોરણ 8માં અભ્યાસ કરતી હતી, ત્યારે એક પ્રવાસ દરમિયાન નડેલા અકસ્માતમાં તેણીએ પોતાનો જમણો હાથ ગુમાવી દીધો હતો. શરીરનું એક અંગ ઓછું થાય એટલે ભારોભાર તકલીફોનો સામનો કરવો પડે છે. પરંતુ ભણવામાં ખૂબ જ મેઘાવી મુસ્કાને હિંમત હાર્યા વિના ડાબા હાથે લખવાનો મહાવરો સાધી લીધો અને દીલ લગાવી પોતાનો અભ્યાસ ચાલું રાખ્યો. મુસ્કાનના માતાપિતા સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમણે પણ પોતાની વ્હાલસોયી પુત્રીને ભણવામાં કાંઇ ઓછું ન આવે તેની તકેદારી રાખી છે.
વર્ષ 2014માં અકસ્માત થયા બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ મુસ્કાનને ધોરણ-8ની પરીક્ષા આપવાની હોવાથી ડાબા હાથેથી લખવાનો મહાવરો કેળવવાની શરૂઆત કરી દીધી હતી, અને પ્રથમ વખત ડાબા હાથે લખી પરીક્ષા પણ સારી રીતે આપી હતી. તેની તેજસ્વીતાનો ગ્રાફ ઉપર ચઢતો ગયો, અને તેણીએ ધોરણ 10માં 94 ટકા, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 81 ટકા મેળવ્યા હતા. એ બાદ મેડિકલ શાખામાં પ્રવેશ માટે નીટમાં સારા ગુણાંક મેળવી શારીરિક અશક્ત શ્રેણીમાં મુસ્કાન શેખ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે આવી હતી.