ડિપ્લોમા એરોનોટિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીની સિદ્ધિ
વિદ્યાર્થીએ ઓટો લોકિંગ કેનોપી સિસ્ટમ વિકસાવી
ફાઈટર જેટના પાયલોટોના જીવ બચાવવા માટેની સિસ્ટમ
રાજસ્થાનમાં થયેલા ફાઈટર જેટના અકસ્માતથી જૈનિલ હતો વ્યથિત
ટેકનોલોજી વાયુસેનાના જાંબાઝ પાયલોટો માટે જીવનરક્ષક સાબિત થશે
વડોદરાના 17 વર્ષીય વિદ્યાર્થી જૈનિલે ફાઈટર જેટના પાયલોટોના જીવ બચાવવા માટે 'ઓટો લોકિંગ કેનોપી સિસ્ટમ' વિકસાવી છે. વડોદરાના 17 વર્ષીય વિદ્યાર્થી જૈનિલ ચાંપાનેરિયાએ ફાઈટર જેટના પાયલોટોના જીવ બચાવવા માટે ક્રાંતિકારી 'ઓટો લોકિંગ કેનોપી સિસ્ટમ' (ALCAS) વિકસાવી છે. રાજસ્થાનના ચુરુમાં ભારતીય વાયુસેનાના જગુઆર ફાઈટર જેટના અકસ્માતમાં ટેકનિકલ ખામીને કારણે પાયલોટે જીવ ગુમાવ્યો હતો. આ હૃદયદ્રાવક ઘટનાથી વ્યથિત થઈને જૈનિલે ભવિષ્યમાં આવી જાનહાનિ રોકવાના દ્રઢ સંકલ્પ સાથે આ મિકેનિકલ બેકઅપ તૈયાર કર્યું છે.
ડિપ્લોમા એરોનોટિકલ એન્જિનિયરિંગના આ છાત્રની સિદ્ધિને 'ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ'માં સ્થાન મળ્યું છે. હાલ તે આ ટેકનોલોજીને ભારતીય વાયુસેનામાં અમલી બનાવવા DRDO સાથે સહયોગ કરી રહ્યો છે.
જૈનિલે ફાઈટર પ્લેનની કેનોપી એટલે કે કોકપિટ લોકિંગ સિસ્ટમની ગંભીર ખામી શોધી તેનું સચોટ નિવારણ પ્રસ્તુત કર્યું છે. છેલ્લા 15 વર્ષના વિમાન અકસ્માતોના ગહન અભ્યાસ બાદ તૈયાર થયેલું આ 'ALCAS' મોડેલ પાયલોટો માટે મજબૂત સુરક્ષા કવચ પૂરું પાડશે.
સામાન્ય રીતે ફાઈટર પ્લેનમાં ઈમરજન્સી સમયે જો ઈલેક્ટ્રિકલ કે હાઈડ્રોલિક સિસ્ટમ નિષ્ફળ જાય, તો પાયલોટ સુરક્ષિત રીતે ઈંજેક્ટ થઈ શકતા નથી. જૈનિલે આ સમસ્યાના ઉકેલ રૂપે એક ઓટો-લોકિંગ મિકેનિકલ બેકઅપ સિસ્ટમ બનાવી છે, જેની સંરક્ષણ ક્ષેત્રે ઉપયોગિતા માટે તેણે પેટન્ટ પણ દાખલ કરી છે.
રાષ્ટ્રીય હેકાથોનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર જૈનિલ હવે DRDOના માર્ગદર્શન હેઠળ આ ટેકનોલોજી પર કાર્યરત છે.17 વર્ષના આ કિશોરની દૂરંદેશી આવનારા સમયમાં ભારતીય વાયુસેનાના જાંબાઝ પાયલોટો માટે જીવનરક્ષક સાબિત થશે.