/connect-gujarat/media/post_banners/ec89a24da4a151025e39a6a3eddf3137f7fd390d19895128f34c9d93b55f9b75.jpg)
સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર સિરપ કાંડ મામલે વડોદરા પોલીસે સિરપ કાંડના મુખ્ય 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ખેડા જિલ્લાના નડિયાદમાં સિરપ કાંડમાં 6 લોકોના મોત નીપજ્યા હતા, ત્યારે આ મામલે નડિયાદ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. જેમાં 2 આરોપી નીતિન કોટવાણી અને ભાવેશ સેવકાણી વડોદરા જિલ્લાના રહેવાસી હોવાનું જણાઇ આવ્યું હતું. ઉપરાંત આ બન્ને સામે વડોદરા શહેરમાં ગુના પણ નોંધાયેલા હતા. જેથી વડોદરા ક્રાઈમ બ્રાંચ, પીસીબી અને એસઓજીની અલગ-અલગ ટીમોએ આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. જોકે, હવે વડોદરા પોલીસે આ કાંડના મુખ્ય 2 આરોપીઓ નીતિન કોટવાણી અને ભાવેશ સોવકાણીની ધરપકડ કરી છે. નીતિન કોટવાણા મહારાષ્ટ્રથી વકીલને મળવા વડોદરા આવતો હતો, ત્યારે પોલીસને જોતાં નીતિન કોટવાણી ચોંકી ઊઠ્યો હતો અને બોલ્યો હતો કે, તમને મારા વિશે કોણે માહિતી આપી..?, જ્યારે ભાવેશ સેવકાણી મહારાષ્ટ્રથી દિલ્હી ગયો હતો, અને દિલ્હીથી ફ્લાઈટમાં બેસી વકીલને મળવા વડોદરા આવ્યો હતો, ત્યારે પોલીસે એરપોર્ટ પર તેની પણ ધરપકડ કરી લીધી હતી. હવે બન્ને આરોપીઓને ખેડા પોલીસને સોંપવામાં આવશે. આ બન્ને આરોપીઓની હવે સિરપ કાંડમાં રાજ્યવ્યાપી જાળ ખૂલી છે. જેમાં આ કાંડ ખેડા પૂરતું સીમિત નથી. આ પહેલાં આરોપીઓ રાજકોટમાં સિરપના લેબલ લગાવી લઠ્ઠો વેચતા હતા, તેમજ બન્ને આરોપીઓ પોલીસ ચોપડે વોન્ટેડ હોવાનું પણ બહાર આવ્યું છે. જોકે, સમગ્ર મામલે પોલીસે નડિયાદના 3 અને વડોદરાના 2 મળી કુલ 5 શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ વધુ તેજ કરી છે.