Connect Gujarat
વડોદરા 

વડોદરા : 31st ડિસેમ્બર અને મકરસંક્રાતિની ઉજવણીને લઈને શહેરીજનો સાથે પોલીસ પણ સજ્જ...

વડોદરા પોલીસ દ્વારા શહેરના 11 પોઇન્ટ પર નાકાબંધી રહેશે, અને 55 સ્થળો પર રાતથી સવારે 5 વાગ્યા સુધી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે.

X

શહેરમાં 31st ડિસેમ્બરને લઇ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

નવા વર્ષ અને મકરસંક્રાતિ માટે પોલીસની બેઠક મળી

55 સ્થળો પર રાતથી સવાર સુધી સતત પોલીસ ચેકિંગ

યુવાઓ નશાના રવાડે ન ચઢે તે માટે ખાસ પ્લાન ઘડાયો

વડોદરા પોલીસ બની છે સજ્જ : અનુપમસિંહ ગેહલોત

31st ડિસેમ્બર અને મકરસંક્રાતિની ઉજવણીને લઈને યુવા વર્ગમાં થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે નવા વર્ષ અને મકરસંક્રાતિની ઉજવણી દરમ્યાન ઘેલા બનેલા યુવાઓ નશાના રવાડે ન ચઢે તે માટે વડોદરા પોલીસ પણ સજ્જ બની છે. 31st ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખી વડોદરા શહેર પોલીસે ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. શહેરના ફતેહગંજ અને સયાજીગંજ સહિતના 21 સ્થળો પર વિશેષ ઉજવણી થતી હોવાથી પોલીસ દ્વારા કડક નજર રાખવામાં આવનાર છે. વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પત્રકાર પરિષદ યોજી સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.

જેમાં વડોદરા પોલીસ દ્વારા શહેરના 11 પોઇન્ટ પર નાકાબંધી રહેશે, અને 55 સ્થળો પર રાતથી સવારે 5 વાગ્યા સુધી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. જેમાં 6 DSP, 16 ACP, 50 PI અને 80 PSI સહિત શી ટીમની મહિલા કર્મીઓ મળી 2 હજાર પોલીસકર્મીઓ તૈનાત રહેશે. જે અસામાજિક તત્વો તેમજ સ્ટંટ કરનારા લોકો સહિત દારૂ-ડ્રગ્સની થતી હેરાફેરીની ગતિવિધિઓ પર નજર રાખશે. એટલું જ નહીં, પોલીસ દારૂ-ડ્રગ્સની ચકાસણી માટે બ્રેથ એનેલાઇઝર અને વિશેષ કિટ સાથે રાખશે. જો કોઇ નિયમ ભંગ કરશે તો કડક કાર્યવાહી કરાશે. પોલીસ બેરિકેડ, વીડિયોગ્રાફી અને ડ્રોન કેમેરાથી સજ્જ રહેશે.

તો, ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ સતત ખડેપગે પેટ્રોલિંગ કરશે. આ ઉપરાંત મકરસંક્રાંતિને લઈને પણ વડોદરા પોલીસ કમિશનરે નિવેદન આપતા જણાવ્યુ હતું કે, ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી વડોદરા પોલીસ સજ્જ છે. જેમાં ચાઈનીઝ દોરી અને ચાઈનીઝ તુક્કલના ઉપયોગ પર પ્રતિબંધ જાહેર કરી ઠેર ઠેર ચેકીંગ હાથ ધરાશે. આ સાથે જ ચાર દરવાજા વિસ્તારમાં પતંગ પકડવા રોડ પર દોડનાર લોકો પર ખાસ નજર રખાશે. ઉપરાંત અગાસી પર ડીજે વગાડવા પર ખાસ પ્રતિબંધ નહીં પરંતુ લોકોએ જાતે જ સાવચેતી રાખવાની જરૂર છે તેવું પોલીસ કમિશનરે જણાવ્યુ હતું.

Next Story