/connect-gujarat/media/post_banners/8d0feaca94a25a64a4587933829773b8168840f9d5f2f97d3119975a71f62b5f.jpg)
વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ વેક્સિન ગ્રાઉન્ડમાં જે બિલ્ડિંગમાં હડકવાની વેક્સિન બનાવવામાં આવતી હતી તે બિલ્ડિંગમાં વેક્સિન રિસર્ચ સેન્ટર બનાવવા માટે અકોટાના ધારાસભ્ય સીમાબેન મોહિલેએ રાજ્ય અને કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગોમાં પત્ર લખીને માંગણી કરી છે.
વડોદરાના ઓલ્ડ પાદરા રોડ પર હાલ વેક્સિન ગ્રાઉન્ડમાં એક સમયે બકરાના ભેજામાંથી હડકવા વિરોધી રસી અને સાપના ઝેરમાંથી ઝેરના મારણની રસી બનતી હોવાથી આ ગ્રાઉન્ડ વેક્સિન ગ્રાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે. આજથી 20 વર્ષ પહેલા વધારે વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ખાતે બકરાના ભેજામાંથી હડકવા વિરોધી રસી અને સાપના ઝેરમાંથી ઝેરના મરણની વેક્સિન બનાવવામાં આવતી હતી. જેમાં બકરાના ભેજામાંથી બનાવવામાં આવતી હડકવા વિરોધી રસી સમગ્ર દેશમાં વડોદરા ખાતેથી સપ્લાય થતી હતી. હડકવા વિરોધી રસી બકરાના ભેજામાંથી બનાવવામાં આવતી હોવાથી જીવદયા પ્રેમી અને સાંસદ દ્વારા તેનો વિરોધ કરવામાં આવતો હતો અને લાંબી લડત બાદ વડોદરામાં જે બકરાના ભેજામાંથી રસી બનાવવામાં આવતી હતી, તે વેક્સિન બનાવવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. હાલમાં જે હડકવા વિરોધી રસી બની રહી છે, તે કેમિકલયુક્ત રસી બની રહી છે અને અને તે હડકવા ન લાગે તે માટે આપવામાં આવી રહી છે. વડોદરાના અકોટા વિધાનસભા મતવિસ્તારના મહિલા ધારાસભ્ય સીમાબેન મોહિલે જણાવ્યું હતું કે, વડોદરામાં ઓલ્ડ પાદરા રોડ વેક્સિન ગ્રાઉન્ડ તરીકે ઓળખાય છે. જે બિલ્ડિંગમાં વેક્સિન બનતી હતી તે બિલ્ડિંગ હાલ ખંડેર હાલતમાં થઈ ગયું છે. જેથી સરકાર દ્વારા વેક્સિન રિસર્ચ સેન્ટર બનાવવામાં આવે તે માટે મેં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગોમાં પત્ર લખીને માંગણી કરી છે.