વલસાડમાં ગુજરાત ક્વિન એક્સપ્રેસમાં ફાંસો ખાઇ આપઘાત કરી લેનાર યુવતીના કેસમાં નવો વળાંક આવ્યો છે. યુવતી ઉપર વડોદરાના દિવાળીપુરા પાસે આવેલ વેક્સિન ઇન્સ્ટીટ્યૂટના મેદાનમાં દુષ્કર્મ આચરાયું હોવાની વિગતો ડાયરીના આધારે બહાર આવતા ગોત્રી પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી. પોલીસે દુષ્કર્મ આચરાયું તે સ્થળ ઉપરથી પુરાવા એકત્ર કરવા માટે એફ.એસ.એલ.ની મદદ લઇ તપાસ શરૂ કરી દીધી છે. તે સાથે પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા વેક્સિન ઇન્સ્ટીટ્યૂટ વિસ્તારના સી.સી. ટી.વી. ફૂટેજ મેળવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
ડી.વાય.એસ.પી. બી.એસ. જાદવે જણાવ્યું હતું કે, વલસાડ ગુજરાત ક્વિન એક્સપ્રેસમાં આપઘાત કરી લેનાર યુવતીએ ડાયરીમાં લખ્યું છે કે, તા.2 નવેમ્બરની સાંજના સમયે તે સાઇકલ લઇને પસાર થઇ રહી હતી. તે દરમિયાન એક રિક્ષા ચાલકે ટક્કર મારી હતી. રિક્ષાએ ટક્કર માર્યા બાદ રિક્ષા ચાલક સહિત બે વ્યક્તિઓએ બળજબરીથી રિક્ષામાં બેસાડી દીધી હતી. બાદમાં વેક્સીન ઇન્સ્ટીટ્યૂટની જાડીમાં ખેંચી ગયા હતા. ત્યાં તેઓએ દુષ્કર્મ આચર્યું હતું. પોલીસ અધિકારીએ ડાયરીમાં લખેલી વિગતો પૈકી અન્ય એક વિગતની માહિતી આપતા જણાવ્યું હતું કે, યુવતીએ બે વ્યક્તિઓ પીછો કરી રહ્યા હોવાનો મેસેજ ઓએસીસ સંસ્થામાં સાથે કામ કરતી અન્ય મિત્ર સહેલીને કર્યો હતો.