Connect Gujarat
વડોદરા 

વડોદરા : અમેરિકાના મોટેલ માલિકે સુરતની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું, પોલીસે કરી NRI આરોપીની ધરપકડ

અમેરિકાના મોટેલના માલિકે સુરતની સગીરા સાથે વડોદરામાં ભાડે મકાન રાખીને દુષ્કર્મ આચરતાં ચકચાર મચી છે.

X

અમેરિકાના મોટેલના માલિકે સુરતની સગીરા સાથે વડોદરામાં ભાડે મકાન રાખીને દુષ્કર્મ આચરતાં ચકચાર મચી છે. 59 વર્ષીય બેફામ NRI આટલેથી નથી અટક્યો, તેણે 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેને અને તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે સયાજીગંજ પોલીસે આરોપી જયેશ પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, મૂળ અમરેલી જિલ્લાના રાજુલાના અને હાલ સુરતમાં રહેતા રિક્ષાચાલક અને પીડિતાના પિતાએ વડોદરાના સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં પીડિતાના પિતાએ જણાવ્યુ હતું કે, હું મારી 16 વર્ષની દીકરી સાથે સુરતમાં રહું છુ. અગાઉ મેં મારી પત્ની સાથે છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા બાદ મેં 7 વર્ષ પહેલાં ફરી લગ્ન કર્યા હતા. મારી પહેલી પત્ની મારી દીકરીને મુકીને ગઈ હોવાથી તે મારી સાથે રહે છે. મારી દીકરી છેલ્લા 5 મહિનાથી સ્કૂલમાં જતી નથી. ગત તા. 10 ડિસેમ્બરના રોજ મારી પત્ની મુંબઈ ખાતે તેના સંબંધીના ઘરે ગઈ હતી, જેથી હું 11 ડિસેમ્બરના રોજ મારી દીકરીને ઘરે એકલી મુકી મારી પત્નીને તેડવા માટે મુંબઈ ગયો હતો, અને 12 ડિસેમ્બરના રોજ સવારના 10 વાગ્યે સુરત ખાતે મારા ઘરે પરત આવ્યો હતો. તે વખતે મારી દીકરી ઘરે હાજર નહોતી, જેથી મે મારા મોટા ભાઈને ફોન કરી મારી દીકરી તમારા ઘરે આવી છે કે કેમ? એમ પૂછ્યું હતું. જોકે, તેમણે ના પાડી હતી, જેથી મે મારી દીકરીને ફોન કરીને પૂછ્યું હતું કે તું ક્યાં છે, જેથી તેણે મને કહ્યું હતું કે, હું રસ્તામાં છું અને થોડીવારમાં ઘરે આવું છું. ત્યારબાદ મારી દીકરી 12 ડિસેમ્બરના રોજ બપોરના 12થી 1 વાગ્યાના અરસામાં ઘરે આવી હતી. જેથી મેં તેને પૂછ્યું હતું કે, તું ક્યા ગઈ હતી? તેને શરૂઆતમાં કંઈ જવાબ આપ્યો નહોતો, પરંતુ મેં તેને કડકાઈથી પૂછતાં તેણે મને જણાવ્યું હતું કે આપણે અમદાવાદ ખાતે રહેતા હતા, એ વખતે મારી બહેનપણીએ મને વડોદરા ખાતે રહેતા જયેશ પટેલનો ફોન નંબર આપ્યો હતો, જેથી મેં તેમના મોબાઈલ નંબર પર નોકરી બાબતે વાતચીત કરી હતી, જેથી જયેશ પટેલે મને વડોદરા બોલાવી હતી. વધુમાં દીકરીએ જણાવ્યું હતું કે, તમે મુંબઈ ગયા હોવાથી હું 11 ડિસેમ્બરના રોજ તેમને મળવા વડોદરા ગઈ હતી અને જયેશ પટેલને મળી હતી, અને તેમની સાથે નોકરી બાબતે વાતચીત કરી હતી. જયેશ પટેલ મને અલકાપુરીમાં આવેલી અનુપમ સોસાયટીના એક મકાનના રૂમમાં લઈ ગયો હતો, અને મને તે મકાનમાં તેમની સાથે રાત રાખી હતી. રાતના સમયે જયેશ પટેલે મારી સાથે જબરદસ્તીથી દુષ્કર્મ આચર્યું હતું, અને ધમકી આપી હતી કે, આ વાત કોઈને કરીશ તો તને અને તારા પિતાને જાનથી મારી નાખીશ. આરોપી જયેશ પટેલ અને તેનો પરિવાર અમેરિકામાં સ્થાયી થયો છે. જયેશ પટેલ અમેરિકામાં પોતાની મોટેલ ધરાવે છે. જયેશ પટેલ તેની પત્ની સાથે 9 ડિસેમ્બરે જ વડોદરા આવ્યો હતો અને તેના નિઝામપુરા સ્થિત મકાનમાં તેની પત્ની સાથે રહેતો હતો. સગીરાને રાખવા માટે તેને અકોટા વિસ્તારમાં એક મકાન ભાડે રાખ્યું હતું. આ મકાનમાં જ જયેશ પટેલે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું, ત્યારે હાલ તો સયાજીગંજ પોલીસે ગુનો નોંધી આરોપી જયેશ પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story