હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં 5 દિવસની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વડોદરા શહેર અને જિલ્લામાં વરસાદે ભારે ધબધબાટી બોલાવી હતી.
હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આપવામાં આગાહીના પગલે આજે વહેલી સવારથી જ વડોદરા શહેર અને જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. વડોદરા જીલ્લામાં 4 કલાકમાં 4 ઇચ વરસાદ ખાબકતા "સ્માર્ટ સિટી વડોદરા" પાણીથી તરબતર થઇ ગઇ છે. શહેરના ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના તમામ મુખ્ય માર્ગો અને સોસાયટીઓના માર્ગો નદીઓમાં ફેરવાઇ ગયા છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકો સહિત રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે વોટર લોગીનના કારણે અનેક સોસાયટીઓમાં ડ્રેનેજ મિશ્રિત દૂષિત પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જેમાં લોકોને પોતાનો માલ સામાન સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી રહી છે. નિચાણવાળા વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં ભારે હાલાકી પડી છે. સતત વરસી રહેલા વરસાદને પગલે સ્માર્ટ સિટી વડોદરા પાણી તરબતર થઈ ગયુ છે. તો બીજી તરફ, વડોદરામાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી SDRFની 2 ટીમ અને NDRFની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.