Connect Gujarat
વડોદરા 

વડોદરા : ચૂંટણી અધિકારી જ હાઇકોર્ટમાં હોવાથી બરોડા ડેરીના પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણી મુલતવી..!

જો આજે ચૂંટણી યોજાય તો બળવો સાફ દેખાતો હતો. જેના કારણે ચૂંટણી અધિકારીને જ ન આવવા દીધા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.

X

સહકારી ક્ષેત્રની અગ્રગણ્ય અને મલાઈદાર ગણાતી બરોડા ડેરીના પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણી યોજાય હતી. પરંતુ ચૂંટણી અધિકારી જ ન આવતા ચૂંટણી મુલતવી રાખવામાં આવી હતી. જોકે, હવે આગામી 3 જુલાઈના રોજ યોજવામાં આવશે. બરોડા ડેરી કે, જે અનેકવાર વિવાદોમાં સપડાઈ છે. ક્યારેક ભ્રષ્ટાચારના મામલે તો ક્યારેક સગાવાદના મામલે ડેરી હંમેશા ચર્ચામાં રહી છે. થોડા મહિનાઓ અગાઉ વડોદરા-સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ઉહાપોહ મચાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રમુખે રાજીનામુ આપ્યું અને નવા પ્રમુખ-ઉપપ્રમુખની નિમણુંક કરવામાં આવી હતી.

પ્રમુખ તરીકે જિલ્લા ભાજપાના પ્રમુખ સતીશ પટેલ તથા ઉપ્રમુખ તરીકે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ક્રિપાલસિંહ મહારાઉલજી કે, જેઓને કેતન ઇનામદારના અંગત માનવામાં આવે છે. તેઓની નિમણુંક કરાઈ હતી. 2 મહિના અગાઉ નવા પ્રમુખ-ઉપપ્રમુખ નિમાયા બાદ વિવાદ શાંત થઇ ગયો હતો. જોકે, આજે આગામી અઢી વર્ષ માટે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીઓ યોજાવાની હતી. ડેરી ખાતે સભાસદો, ડિરેક્ટરો અને તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં જિલ્લાના પ્રભારી રાજુ પાઠક મેન્ડેડ લઈને આવી ગયા હતા. જોકે, મેન્ડેડ આવે તે પહેલા જ કેટલાક ડિરેક્ટરોમાં વિરોધનો સૂર જોવા મળ્યો હતો.

મેન્ડેડ આવ્યા બાદ સહુ કોઈ ચૂંટણી અધિકારીની રાહ જોઈ રહ્યા હતા. પ્રથમ ચૂંટણી અધિકારીએ 12 કલાકના બદલે 3 કલાકે આવવાની તૈયારી બતાવી, તો ત્યારબાદ 3 વાગે એક પત્ર આવ્યો અને ચૂંટણી અધિકારી આજે હાઇકોર્ટમાં હોય તેઓ નહીં આવી શકે, અને આગામી ચૂંટણી 3 જુલાઈના રોજ યોજવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. જોકે, આ 3-4 કલાકમાં ડેરીમાં હાઈ પ્રોફાઈલ ડ્રામા ચાલ્યો હતો. ડેરીમાં જો આજે ચૂંટણી યોજાય તો બળવો સાફ દેખાતો હતો. જેના કારણે ચૂંટણી અધિકારીને જ ન આવવા દીધા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.

Next Story