/connect-gujarat/media/media_files/2025/01/23/SAFOcot7y2ZdR2TURxsO.jpeg)
વડોદરા શહેર તથા જીલ્લામાં સાયબર ફ્રોડ માટે બેંકોની બેદરકારી પણ જવાબદાર છે, ત્યારે પોલીસ અને બેંક અધિકારીઓ વચ્ચે વિવિધ મુદ્દે બેઠક યોજાય હતી. ડિજિટલ એરેસ્ટ અને સાયબર ફ્રોડના વધી રહેલા બનાવો માટે બેંકોની ભૂમિકા પણ કારણભૂત હોવાનું કેટલાક કિસ્સાઓમાં જણાઈ આવ્યું છે, ત્યારે વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ખાનગી અને રાષ્ટ્રીયકૃત બેંકોના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મીટીંગનું આયોજન કર્યું હતું.
જેમાં સાયબર ફ્રૉડના કિસ્સાઓ રોકવા માટે બેંકો ખૂબ જ સહાયરૂપ થઈ શકે તેમ હોવાથી વધુ સતર્કતા રાખવા માટે કેટલીક સૂચનાઓ આપવામાં આવી હતી. પોલીસે બેંક ઓફિસરોને ભોગ બનેલા ગ્રાહકોના બેંક એકાઉન્ટની ડીટેલ જેટલી બને તેટલી ત્વરિત મળે તો રકમ લૂંટાતી બચી જાય તેમ હોવાનું કહ્યું હતું. આ ઉપરાંત ઓનલાઈન ઠગો દ્વારા બોગસ એકાઉન્ટોનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી આરબીઆઈની ગાઈડલાઈન મુજબ બેન્ક એકાઉન્ટની ચકાસણી કરવા અપીલ કરવામાં આવી હતી.
આવી જ રીતે સાયબર માફિયાઓ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિ માટે મ્યુલ બેંક એકાઉન્ટ (ત્રાહિત વ્યક્તિના નામે ત્વરિત ખુલી જતા ખાતા)નો ઉપયોગ કરવામાં આવતો હોવાથી આવા એકાઉન્ટ ખોલવામાં ખૂબ જ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી.