વડોદરા શહેરના રાવપુરા વિધાનસભામાં ભાજપના ઉમેદવાર બાલકૃષ્ણ શુક્લને ઉમેદવારી મળતા આજે તેઓ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના આશીર્વાદ લેવા તેઓના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં રાજેન્દ્ર ત્રિવેદીએ બાલકૃષ્ણ શુક્લને જંગી મતોથી જીત મેળવવાના આશીર્વાદ આપ્યા હતા.
વડોદરામાં ભાજપના સિનિયર નેતાને કેબિનેટ મંત્રી રહી ચૂકેલા રાજેન્દ્ર ત્રિવેદીની બેઠક રાવપુરા વિધાનસભામાંથી તેઓને પડતા મૂકીને પૂર્વ સાંસદ બાલકૃષ્ણ શુક્લને ભાજપે ઉમેદવારી આપી છે. એક સમયે બન્ને નેતાઓ એક બીજાની સામે પડેલા હતા, જ્યારે રાજેન્દ્ર ત્રિવેદીને પડતા મૂકીને બાલકૃષ્ણ શુક્લને ઉમેદવારી મળતાં આજે બાલકૃષ્ણ શુક્લ રાજેન્દ્ર ત્રિવેદીના નિવાસસ્થાને પહોંચ્યા હતાં, જ્યાં તેઓએ રાજેન્દ્ર ત્રિવેદીના આશીર્વાદ મેળવ્યા હતા.
પૂર્વ સાંસદ બાલકૃષ્ણ શુક્લની ભાજપે વિધાનસભાની ચૂંટણી માટે પસંદગી કરી છે, ત્યારે રાજેન્દ્ર ત્રિવેદીએ ભાજપના ઉમેદવાર બાલકૃષ્ણ શુક્લ જંગી બહુમતી સાથે વિજેતા થશે તેવી ખાતરી આપી હતી. તો બીજી તરફ, રાજ્યભરમાં અનેક વિધાનસભામાં ભાજપના નારાજ નેતાઓ અપક્ષ કે, અન્ય પક્ષમાંથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે, ત્યારે રાજેન્દ્ર ત્રિવેદીએ તેઓનું પગલું ભૂલ ભરેલું ગણાવ્યું હતું. આ સાથે જ ભાજપના બળવાખોરોને રાજેન્દ્ર ત્રિવેદીએ સ્વાર્થી ગણાવ્યા હતા.