Connect Gujarat
વડોદરા 

વડોદરા : ભાયલીના બાળકોની 4 વર્ષની મહેનત લાવી રંગ, ઓળખી શકે છે 80 પ્રજાતિના પશુ-પક્ષીઓ

ભાયલીના વણકરવાસના વિદ્યાર્થીઓનો અનોખો પ્રયાસ, વણકરવાસ પાસે આવેલાં તળાવને બચાવવાના પ્રયત્નો.

X

સાંપ્રત સમયમાં શહેરીકરણ વધી રહયું હોવાથી કુદરતી સંપદાઓ અસ્તિત્વ સામે જંગ લડી રહી છે. વડોદરા શહેરની જો વાત કરવામાં આવે તો વડોદરાના ભાયલીના વણકરવાસ પાસે તળાવ આવેલું છે. આ તળાવના કિનારે પતંગિયા, કીટકો તથા પક્ષીઓની અનેક પ્રજાતિઓનો વસવાટ છે.

વડોદરાની જ નવરચના યુનિવર્સીટીના પ્રોફેસર હિતાર્થ પંડયાએ આ તળાવ તથા જીવ સૃષ્ટિને બચાવવા માટે બીડુ ઝડપ્યું છે. તેમણે પર્યાવરણના બાળ રક્ષકોની ફોજ તૈયાર કરી છે. આ ફોજમાં સંત કબીર વિદ્યાલયની સ્વરા સહિત વણકરવાસના શાહીદ રોહીત, નંદની વણકર, હર્ષિલ વણકર, મનન મકવાણા અને નિવૃત શિક્ષિકા સુર્વણા સોનવણેનો સમાવેશ થવા જાય છે. વણકરવાસના બાળકો જેઓ છેલ્લા ચાર વર્ષથી પોતાના ઘર નજીક આવેલ તળાવને બચાવવા માટે એકલા હાથે ઝઝૂમી રહ્યા છે તેમને પોતાના પર્યાવરણના શિક્ષક હિતાર્થ પંડ્યા તેમજ સુવર્ણા સોનવણેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણના હિતમાં કામ કરી રહયાં છે.

ચાર વર્ષથી આ બાળકો અથાગ મહેનત કરીને લગભગ 80 જેટલા દેશી તેમજ વિદેશી પક્ષીઓને ઓળખી શકે છે. આ બાળકોને હવે પતંગિયાઓ તથા કીટકોની વિવિધ પ્રજાતિઓને કેવી રીતે ઓળખવી તેની તાલીમ આપવામાં આવી.

શિક્ષક દિનના અવસરે કરવામાં આવેલો આ પ્રયાસ સરાહનીય હતો. ગુરુ-શિષ્ય પરંપરા ને જીવંત રાખવા આ એક ખુબ સુંદર પ્રયોગ હતો. એક શિક્ષક માટે શિક્ષક દિવસ ની આનાથી સારી ઉજવણી ના હોઈ શકે કે જયારે તેનો પોતાનો વિદ્યાર્થી તેના જ વિદ્યાર્થી માટે વિદ્યા દાનની માંગણી કરે. વણકરવાસના આ વિદ્યાર્થીઓ ખરેખર એક મોટો બદલાવ લાવવા જઈ રહ્યા છે જે આપણા શહેરના લાખો વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રોત્સાહિત કરશે. આજે ખેતરોમાં જયારે બેફામ ઝેરી દવાઓનો ઉપયોગ થઇ રહ્યો છે અને બીજી તરફ શહેરોમાં પ્રકૃતિ ને અનુકૂળ વૃક્ષો અને ક્ષુપો ના બદલે કોર્નોકાર્પસ જેવા વૃક્ષોનું આડેધડ વાવેતર થઇ રહ્યું છે ત્યારે આ બાળકોએ કરેલી પહેલ એક દીવાદાંડી સમાન બની રહેશે તેમ નિવૃત શિક્ષિકા સુર્વણા સોનવણેએ જણાવ્યું હતું.

નવરચના યુનિવર્સિટીમાં જર્નાલિઝમના પ્રોફેસર અને સંત કબીર સ્કૂલમાં પર્યાવરણના શિક્ષક હિતાર્થ પંડ્યાએ જણાવ્યું કે પત્રકારત્વ હોય કે શાળામાં શીખવવામાં આવતો પર્યાવરણનો વિષય હોય..પર્યાવરણ માટે સાચી અને સચોટ માહિતી અને ઊંડાણ પૂર્વકનું જ્ઞાન હોવું જરૂરી છે. આજે આ બાળકોએ જયારે જીવ જંતુ અને કીટકો વિષે જાણકારી મેળવી ત્યારે તેમની પક્ષીઓ વિશેની પોતાની સમજ બમણી થઇ ગઈ છે.

Next Story