વડોદરાના પાદરા તાલુકામાં આવેલાં ડબકા ગામના તળિયાભાઠાના લોકો ગાંડાતુર બનેલા પાડાના ડરથી ઝાડ પર રહેવા મજબુર બની ગયાં છે.
પાદરા તાલુકાના ડબકા ગામના તળિયાભાઠા વિસ્તારમાં રહેતાં લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહયાં છે. ગામ લોકો એટલા ભયભીત છે કે તેમણે પોતાના બાળકોને વૃક્ષ પર રહેવા માટે મોકલી દીધાં છે. વૃક્ષ પર ખાટલો બાંધી બાળકો જીવ બચાવી રહયાં છે જયારે ગામમાં જે લોકો છે તેમના ઉપર પણ સતત ખતરો મંડરાય રહયો છે. આ વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કર્યો છે એક ગાંડાતુર બનેલા પાડાએ.
ડબકા ગામ પાસેથી પસાર થતી મહીં નદીના કિનારે તળિયા ભાઠા વિસ્તાર આવેલો છે. ડબકા તળીયા ભાઠા અને ગંભીરાના ભાઠા વિસ્તારમાં 100 જેટલા લોકો છૂટાછવાયા રહે છે. છેલ્લા કેટલાંક દિવસોથી એક પાડાએ ભાઠા વિસ્તારમાં ભારે આતંક મચાવ્યો છે. આ પાડો અત્યાર સુધીમાં અનેક લોકોને ઘાયલ કરી ચુકયો છે. પાડો સાંકળે બંધાતો ન હોવાથી લોકો પોતાનો જીવ બચાવવા માટે હવે વૃક્ષો પર વસવાટ કરી રહયાં છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, છેલ્લા પંદર દિવસથી પાડાએ જીવવું મુશ્કેલ કરી દીધું છે.
ગામ લોકોની વાત માનીએ તો પાડો સાંજે આવે છે અને ઘર પાસે રમતા બાળકો તેમજ ઘર પાસે બેસતા લોકો અથવા સીમમાં ખેતમજૂરી કામેથી આવતા લોકો માટે જીવવું મુશ્કેલ થઇ ગયું છે. લોકો ઝાડ પર રહેવા મજબુર બન્યા છે. પાણી ભરવા માટે જઇ શકાતું નથી.
હાલ તો તળીયા ભાઠાના લોકો પાડાના આતંકથી બચવા માટે ઝાડ ઉપર ખાટલા બાંધીને રહેવા મજબૂર બન્યા છે. તેમના પશુઓ રામભરોસે જીવી રહ્યા છે. અમારી તંત્ર પાસે માંગણી છે કે, વહેલી તકે આ પાડાને પકડીને જંગલ ખાતાને સોંપી દેવામાં આવે તેવી લોકોની માંગણી છે.