રોયલ મેળામાં સર્જાયું જોખમ
રાઈડ ઓપરેટરની ગંભીર બેદરકારી
ચાલુ રાઇડમાં દરવાજો ખુલી ગયો
ચાર જેટલા બાળકો પર સર્જાયું જોખમ
ફાયર બ્રિગેડના સૈનિકની સરાહનીય બચાવ કામગીરી
પોલીસે રાઈડ બંધ કરાવીને તપાસ શરૂ કરી
સંચાલક,મેનેજર અને ઓપરેટર સામે નોંધાઈ ફરિયાદ
વડોદરા શહેરમાં વિશ્વામિત્રી બ્રિજ પાસે રોયલ મેળામાં એક રાઇડના દરવાજા ખુલી જતા ચાર બાળકોના જીવ પર જોખમ ઉભુ થયું હતું.જોકે સદનસીબે તેમને ગંભીર ઇજાઓ પહોંચી નહતી.અને મોટી દુર્ઘટના ટળતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
વડોદરા શહેરના વિશ્વામિત્રી બ્રિજ નજીક અવધૂત ફાટકની સામે આવેલી ગાયકવાડી જગ્યામાં છેલ્લા કેટલાક દિવસોથી રોયલ મેળો ચાલી રહ્યો છે.જેમાં જુદી જુદી રાઇડ્સ ઉપરાંત ખાણીપીણીના સ્ટોલ મુકવામાં આવ્યા છે.ક્રિસમસની રજાઓને કારણે આનંદ મેળામાં વધુ ભીડ હતી અને તે દરમિયાન ઓપરેટરની બેદરકારીને કારણે હેલિકોપ્ટર રાઇડે સ્પીડ પકડી તે સાથે જ બે દરવાજા ખૂલી જતાં ત્રણ થી ચાર બાળકો લટકી પડ્યા હતા.જેને કારણે બૂમરાણ મચી હતી.
વાલીઓએ રાઇડ રોકવા માટે ચીસો પાડી હતી.પરંતુ ઓપરેટર સ્થળ છોડીને ફરાર થઇ ગયો હતો.જેને કારણે લટકી રહેલા બાળકો ફંગોળાયા હતા.તે દરમિયાન એક વાલીએ વાયર ખેંચી લેતા રાઇડ બંધ થઈ હતી અને બાળકોના જીવ બચી ગયા હતા.
બનાવ બાદ પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.પોલીસ અધિકારીઓએ તાત્કાલિક આનંદ મેળો બંધ કરાવી મંજૂરીઓને લગતી તપાસ શરૂ કરાવી હતી.
ફુલસ્પિડે ફરી રહેલી રાઇડના દરવાજા ખૂલતાં બાળકોના જીવ જોખમમાં મુકાયા હતા.આવા સમયે ઓપરેટર પણ ફરાર થઇ જતાં પોતાના પુત્રને લઈને ગયેલા પાણીગેટ ફાયર બ્રિગેડના સૈનિકે જાનની બાજી લગાવી રાઇડના બાળકોનો જીવ બચાવ્યો હતો.
ફાયર બ્રિગેડના સર સૈનિક તેમના પુત્રને લઈને આનંદ મેળામાં ગયા હતા.જે રાઇડમાં બનાવ બન્યો તેમાં તેમનો પુત્ર પણ બેઠો હતો.રાઇડે સ્પીડ પકડતાં જ બે થી ત્રણ દરવાજા ખૂલી ગયા હતા.જેથી બૂમાબૂમ થઈ ગઈ હતી.
આ વખતે ઓપરેટર પણ ભાગી ગયો હતો.જેથી બાળકોને બચાવવા માટે વાલીઓ જીવ જોખમમાં મુકી હાથથી રાઇડ રોકવા દોડ્યા હતા.જે દરમિયાન સરસૈનિકે રાઇડના વાયરો ખેંચી નાખતા રાઇડ રોકાઇ ગઇ હતી.જો તેઓ ના હોત તો મોટી દુર્ઘટના થઇ હોત.
ઘટનાની ગંભીરતા પારખીને વડોદરા જોઈન્ટ પોલીસ કમિશનર ડો.લીના પાટીલ સહિતના પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા,અને રોયલ મેળાના સંચાલક,મેનેજર તથા રાઇડના ઓપરેટર સામે પોલીસ દ્વારા ગુન્હો દાખલ કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યુ છે.