Connect Gujarat
વડોદરા 

વડોદરા : ગણેશ વિસર્જન યાત્રા વેળા મંજુસરમાં 2 જૂથ વચ્ચે બબાલ, 5 લોકોની અટકાયત...

ગણપતિની વિસર્જન યાત્રા પર પથ્થરમારો થતાં ભારે દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. તો બીજી તરફ, આક્રોશના પગલે મંજુસર ગ્રામ પંચાયત પાસે ચોકમાં ગ્રામજનોએ રામધૂન બોલાવી હતી

X

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર ગામે ગણપતિની વિસર્જન યાત્રા પર પથ્થરમારો થતાં દોડધામ મચી જવા પામી હતી. આ મામલે પોલીસે વાયરલ વિડિયોના આધારે 5 શખ્સોની અટકાયત કરી અન્ય આરોપીઓની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે. મળતી માહિતી અનુસાર, ગત ગુરુવારે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર ગામના મહાદેવ ફળિયામાંથી ગણેશ વિસર્જન યાત્રા નીકળી હતી. જે યાત્રા ગરાસિયા મહોલ્લામાં પહોંચતા જ યાત્રા ઉપર પથ્થરમારો શરૂ થયો હતો.

ગણપતિની વિસર્જન યાત્રા પર પથ્થરમારો થતાં ભારે દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. તો બીજી તરફ, આક્રોશના પગલે મંજુસર ગ્રામ પંચાયત પાસે ચોકમાં ગ્રામજનોએ રામધૂન બોલાવી હતી, અને તોફાનીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી. જો કડક કાર્યવાહી નહીં થાય તો ગણપતિ વિસર્જન નહીં કરવા મુદ્દે મક્કમ નિર્ણય કર્યો હતો. જોકે, આ ઘટનાના પગલે જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનામાં કેટલાક લોકો ધાબા પરથી પથ્થરમારો કરતા હોવાના લાઈવ વીડિયો પણ સામે આવ્યા છે.

જોકે, આ મામલે મંજુસર પોલીસે 18 ઈસમો સાથે અન્ય 30 લોકોના ટોળાં સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગણેશ વિસર્જન યાત્રામાં થયેલા પથ્થરમારા દરમિયાન 5 લોકોને પોલીસે કસ્ટડીમાં લીધા છે, જ્યારે અન્યની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જોકે, હાલ આ ગામમાં અન્ય કોઈ ઘટના ન બને તે માટે ગ્રામ્ય એસ.પી.ની આગેવાનીમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Next Story