શિનોરના સાધલી ખાતે કોંગ્રેસ પક્ષની મિટિંગ યોજાય
AICCના સદસ્ય મુમતાઝ પટેલની વિશેષ ઉપસ્થિતી
લોકસભા ચૂંટણીને લઇ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી
લોકસભા ચૂંટણીની રણનીતિ તૈયાર કરવામાં આવશે
ભારત જોડો ન્યાય યાત્રા અંગે ચર્ચા કરવામાં આવી
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ખાતે વડોદરા જિલ્લા કોંગ્રેસ દ્વારા AICCના સદસ્ય મુમતાઝ પટેલ સહિત કોંગી હોદ્દેદારોની ઉપસ્થિતિમાં બેઠક યોજાય હતી. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલીના રંગરેજ ફાર્મ ખાતે વડોદરા જિલ્લા કોંગ્રેસ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી લોકસભા ચૂંટણી અગાઉ 2 મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે, ત્યારે કોંગ્રેસ દ્વારા પણ માળખું મજબૂત બનાવવા મીટીંગોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. લોકસભાની ચૂંટણીને લઇ વડોદરાના શિનોર તાલુકામાં કોંગ્રેસ પક્ષે જિલ્લા તાલુકાઓના હોદ્દેદારોની મિટિંગ યોજી હતી.
લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં AICCના સદસ્ય મુમતાઝ પટેલ, જિલ્લા પ્રભારી માનસિંગ ડોડીયા, પ્રભારી સંદીપ માંગરોલા, જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ જશપાલસિંહ પઢીયાર, શિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભુપેન્દ્ર પટેલ, કરજણ શહેર કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ગોહિલ સહિત કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ભરૂચ લોકસભા મત વિસ્તારમાં વડોદરા જિલ્લાના કરજણ, શિનોર તાલુકાઓ પણ સમાવિષ્ટ થયેલા છે. AICCના સદસ્ય મુમતાઝ પટેલે જણાવ્યું હતું કે, પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશાનુસાર કરજણ વિધાનસભા વિસ્તારમાં મિટિંગનું આયોજન કર્યું છે. આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે સાથે સાથે લોકસભા ચૂંટણી અને ભારત જોડો ન્યાય યાત્રા વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી.